શક્તિપીઠ અંબાજીમાં ગાયો માટે ઉભેલા વિવાદે હવે ભારે માપદંડ પકડ્યો છે. છેલ્લા બે દિવસથી બીમાર અને ઇજાગ્રસ્ત ગાયોની સેવા માટે રહેલી જગ્યા અંગે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા લીધેલા નિર્ણય સામે ગ્રામજનો અને ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બુધવારે અંબાજી ખાતે ગૌરક્ષકો, ગૌસેવકો અને ગ્રામજનો દ્વારા એકત્રિત થઈને પંચાયતના આદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની માંગ છે કે અંબાજી ખાતે અસહાય, દુખી અને ઈજાગ્રસ્ત ગાયોની સારવાર માટે જે જગ્યા અગાઉ મૌખિક મંજૂરીથી આપવામાં આવી હતી, તે હવે નવા સરપંચ દ્વારા એક જ દિવસમાં ખાલી કરાવવાનું જાહેર કરાયું છે.
ગુરુવારે ૫૧ શક્તિપીઠ સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને પંચાયતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગાયોની સેવા માટે કાર્યરત “બંસી ગૌ સેવા ટ્રસ્ટ” છેલ્લા આઠ વર્ષથી અહીં કાર્યરત છે. જેના સેવકો અને समर्थકોનું કહેવું છે કે આ જગ્યા પાછી લેવાથી અનેક ગાયોના જીવન પર ભય ઉભો થયો છે.
આંદોલનકારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ગ્રામ પંચાયત તરફથી બીમાર અને ઇજાગ્રસ્ત ગાયોની સેવા માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે, તો આગામી દિવસોમાં અંબાજી સંપૂર્ણપણે બંધ કરાશે અને ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. જેથી આખી જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે.
ગૌપ્રેમીઓ અને ગ્રામજનો આ નિર્ણયને અયોગ્ય ગણાવી રહી છે અને અપીલ કરી છે કે રાજ્ય સરકાર અને સંબંધિત તંત્ર હસ્તક્ષેપ કરીને ગાયો માટે હિતાવહ નિર્ણય લે.
અહેવાલ: ઉમેશ ઠાકોર, બનાસકાંઠા.