અંબાજીમાં ગૌશાળાને ખાલી કરાવાનો વિવાદ – શાંતિના યાત્રાધામમાં ગાય માતા સામે સરપંચના અભિગમથી ઉગ્ર વિરોધ.

ધાર્મિક યાત્રાધામ તરીકે ઓળખાતા પવિત્ર અંબાજી ગામમાં ગૌશાળાને ખાલી કરાવવાનો સરપંચનો નિર્ણય હાલ ભારે વિવાદમાં ફેરવાઈ ગયો છે. ગામના લોકો અને વિશેષ કરીને “બંસી ગૌસેવા સંસ્થા”ના સેવાભાવી યુવકો દ્વારા આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વિગત મુજબ, અંબાજી ગામમાં છેલ્લા 8 વર્ષથી “બંસી ગૌસેવા” નામની એક સંસ્થા બીમાર, અકસ્માતગ્રસ્ત અને રખડતી ગાયો માટે સંકલ્પપૂર્વક સેવા કરી રહી છે. ગામના લોકોના સ્વૈચ્છિક દાનથી સંચાલિત આ સંસ્થાએ અનેક જીવદયા કાર્યોને વેગ આપ્યો છે. જો કે, તાજેતરમાં અંબાજી ગ્રામ પંચાયતના સત્તાવાળાઓ દ્વારા આ સંસ્થાને મળેલી જૂની છાત્રાલયની જગ્યા તાત્કાલિક ખાલી કરાવવાનો મૌખિક હુકમ આપવામાં આવ્યો છે.

વિરોધના સુત્રધાર બનેલા યુવકોનો આરોપ છે કે, ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય હિસાબ પતાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. જે જગ્યા પર ગૌશાળા ચાલી રહી છે તે અગાઉ ગ્રામ પંચાયતના સહયોગથી બે વર્ષ પહેલા મૌખિક સહમતિથી આપવામાં આવી હતી. એ સમયથી હજુ સુધી અહીં સેવા કાર્ય સતત ચાલતું હતું.

આ નિર્ણયથી નારાજ ગ્રામજનો અને બંસી ગૌસેવા સંસ્થાના સમર્થકો આજે અંબાજી ગામના ખોરીવલી સર્કલ પર એકત્ર થયા હતા અને જાહેર વિરોધ સભા યોજી. ગામના યુવાનો અને ધર્મપ્રેમીઓએ આ નિર્ણયને “ગૌમાતા વિરોધી” ગણાવી સરપંચ વિરુદ્ધ કડક ટિપ્પણીઓ કરી છે.

આજરોજ એક સમૂહ આંદોલન દરમ્યાન નિર્ણય લેવાયો કે આવતીકાલે સરપંચ અને પોલીસ સ્ટેશનને આવેદનપત્ર પાઠવવામાં આવશે. જો યોગ્ય નિકાલ નહીં આવે તો પરમ દિવસે સમગ્ર અંબાજી યાત્રાધામ “બંધ” પાડવાનો એલાન કરવામાં આવશે.

પ્રશ્નો ઉભા થાય છે…

  • જ્યારે ગૌસેવા મંદિર સમાન કાર્ય ગણાય છે ત્યારે એવી સંસ્થાને મધરાતે ખાલી કરાવવાનો આદેશ કેમ?

  • શું આ ધાર્મિક ગામમાં રાજકીય હિસાબ પતાવવાના ઈરાદાથી ગૌમાતાની સેવા બંધ કરાવવાની કોશિશ થઈ રહી છે?

સંપૂર્ણ મામલે હવે સમગ્ર જિલ્લાની નજર અંબાજી ગ્રામ પંચાયતના પગલાંઓ અને આગામી દિવસના નિર્ણય પર ટકી ગઈ છે.

સ્થાન: અંબાજી, બનાસકાંઠા