અંબાજી ખાતે ‘આદિશક્તિ’ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ — દેશની 550થી વધુ યુવા નારીશક્તિએ તીરકામઠાના મંચ પર પાવરફુલ દેખાવ કર્યો!

અંબાજી, 8 એપ્રિલ 2025:
શક્તિપીઠ અંબાજી આજે શક્તિ, ભક્તિ અને ખેલ શક્તિના અદ્વિતીય સંગમનું સાક્ષી બન્યું, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘આદિશક્તિ’ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો શુભારંભ કર્યો. દેશના 28 રાજ્યોમાંથી આવેલા 550થી વધુ યુવા ખેલાડી મહિલાઓએ તીરકામઠાની ત્રણ કેટેગરીઝમાં ભાગ લઈ અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું.

આ ત્રિ-દિવસીય મેગા ઈવેન્ટ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પ્રવાસન વિભાગના સહયોગથી યોજાયો છે. સ્પર્ધા માટે કુલ રૂ. 41.50 લાખના ઇનામોનું વિતરણ થવાનું છે, જે ખેલાડી બહેનો માટે પ્રેરણાનું મોટું સ્ત્રોત બનશે.

મુખ્યમંત્રીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ હેઠળ નારી શક્તિએ દરેક ક્ષેત્રે પોતાની ક્ષમતા સાબિત કરી છે, અને ખેલ મેદાન પણ હવે મહિલા શક્તિના નમૂનાઓથી ઝળહળતું થયું છે. ખેલ મહાકુંભ અને સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમના માધ્યમથી ગુજરાત મહિલાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ આપે છે.

મુખ્યમંત્રીએ ગુજરાતની ગૌરવશાળી મહિલા ખેલદીઓ જેમ કે સરિતા ગાયકવાડ, પેરા એથ્લિટ ભાવીના પટેલ, ભાર્ગવી ભગોરા અને મૈત્રી પઢીયારનો ઉલ્લેખ કરીને ભવિષ્યની નારી શક્તિને પ્રેરણા આપી.

અંબાજી ખાતે આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે માઁ અંબાના ચરણોમાં નમન કર્યું અને એમ્બ્યુલન્સ સેવાનો પણ પ્રારંભ કર્યો. કુલ 25 નવીન એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી આરોગ્ય સેવાને મજબૂતી અપાઈ.

આ વિશિષ્ટ પ્રસંગે પેરા ઓલિમ્પિક્સ ખેલાડી અને અર્જૂન એવોર્ડ વિજેતા શીતલ દેવીએ પણ ઉપસ્થિતિ આપી અને ખેલાડીઓના આત્મવિશ્વાસને બળ આપ્યું. રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ, વિવિધ ધારાસભ્યો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.

આ રીતે અંબાજી આજે માત્ર ભક્તિનું નહીં, પરંતુ યુવા નારી શક્તિના કૌશલ્ય અને સાહસનું પ્રતિક બની ઊભી રહી.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)