અંબાજી
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળામાં માનવ મહેરામણ ઉમટતું જોવા મળે છે ત્યારે આ મહા મેળામાં આવનાર યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મેળા દરમિયાન યાત્રાળુઓને આરોગ્ય વિષયક તકલીફ ન ઊભી થાય તે માટે વિવિધ જગ્યાએ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. આ પ્રાથમિક સારવાર કેન્દ્ર દ્વારા યાત્રાળુઓને આરોગ્ય વિષયક સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.ખોડીવલી સર્કલ પાસે કાર્યરત પ્રાથમિક સારવાર કેન્દ્રમાં યાત્રાળુઓને આરોગ્ય વિષયક સવલત આપવામાં આવી રહી છે.
ખોડીવલી ખાતે પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર રાજેશ પ્રજાપતિ જણાવે છે કે ભાદરવી પૂનમના મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ખોડીવલી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. તેમાં અમે છેલ્લા ત્રણ દિવસથી ફરજ બજાવી રહ્યા છીએ. શરૂઆતમાં અંદાજિત 150 જેટલા ઓપીડી કર્યા હતા અને આજે યાત્રાળુઓનો ધસારો વધુ હોવાને કારણે લગભગ સાડા ૩૫૦ થી વધુ ઓપીડી થઈ ગઈ છે.
વધુમાં તેઓ જણાવે છે કે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દરેક પ્રકારના દર્દીઓ સારવાર માટે આવે છે અને તેમને દરેક પ્રકારની પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. શ્વાસોશ્વાસની તકલીફ, સીઝર આવવી, બ્લડપ્રેશરની તકલીફના દર્દીઓ અહીં સારવાર માટે આવે છે જો તેમને વધારે તકલીફ જણાય તો તો અમે સીડીએચ કે એસડીએચ હોસ્પિટલ રીફર કરીએ છીએ.
આ પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સારવાર મેળવનાર દર્દી ઠાકોર જશપાલસિંહ (દર્દી) જણાવે છે કે અમે રાધનપુરથી અંબાજી દર્શન માટે આવ્યા હતા અને વરસાદમાં પલળવાના કારણે શરદી ખાંસી થઈ હતી તેમજ પગ વધુ તૂટતા હતા તો અહીંયા મેં સરકારશ્રીના આરોગ્ય કેમ્પ ખાતે આવ્યા અને તેમને મને ઇન્જેક્શન અને ટેબલેટ આપ્યા જેનાથી મારા શરીરમાં ઘણી રાહત થઈ છે.
આ ઉપરાંત મંદિર પરિસરમાં પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર નિશાબેન ડાભી જણાવે છે કે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પ્રાથમિક સારવાર કેમ્પ આવેલો છે. એમાં અત્યારે પદયાત્રીઓ આવતા હોય છે તો તેમને અમુક જાતની તકલીફો પડતી હોય છે તો એમના યોગ્ય સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ લગાવ્યો છે તેમાં દરરોજના અંદાજિત 1000થી વધુ પદયાત્રીઓની સેવા આપીએ છીએ અને આજે શ્રદ્ધાળુઓની ભીડ હોવાને કારણે અત્યાર સુધી 1000 જેટલા દર્દીઓએ સારવાર કરાવી દીધી છે. જેમાં તેમના પગમાં છાલા થઈ જવા, શરીરના દુખાવા થવા તેમજ અલગ અલગ પ્રકારની સારવારો અમે અહીંયા આપીએ છીએ સાથે સાથે અત્યારે વધુ ગરમી હોવાના કારણે લોકોને ચક્કર આવવાની ઘટના વધુ બને છે તેના માટે પ્રાથમિક સારવાર પણ આપીએ છીએ અને વધુ માં જરૂર પડે તો અમે SDH માં રિપોર્ટ કરવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે.
આ સેવા કેન્દ્રમાં પ્રાથમિક સારવાર મેળવનાર દર્દીના પિતાશ્રી હિંમતભાઈ ઝાલા જણાવે છે કે અમે પરિવાર સાથે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીના પ્રવાસે આવ્યા હતા. એ દરમિયાન મારી દીકરી વધુ ભીડ હોવાને કારણે ચક્કર આવવાથી બેભાન થઈ ગઈ હતી તો અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા આવ્યા અને આરોગ્ય કેન્દ્ર દ્વારા સેવા મળતા મારી દીકરીની પૂરેપૂરી સારવાર થઈ ગઈ હતી. તે બદલ સરકારનો અને પ્રાથમિક આરોગ્યના સ્ટાફનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)