અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધો, અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની અલાયદી વ્યવસ્થા.

અંબાજી

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ગુજરાત અને દેશભર માંથી માઇભક્તો અનેરા ઉત્સાહ અને થનગનાટ સાથે અંબાજી આવી રહ્યા છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

શારીરિક રીતે અશક્ત અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વહીલચેરની સુવિધા બની આશીર્વાદરૂપ

મેળામાં પદયાત્રીઓ, સંઘો સાથે વૃધ્ધો, વડીલો અને દિવ્યાંગ માઇભક્તો પણ મા અંબાને માથું ટેકવવા અને આશિર્વાદ મેળવવા આવતા હોય છે. વૃધ્ધો, અશક્તો, વડીલો અને દિવ્યાંગ માઇભક્તો પ્રત્યે વહીવટીતંત્રએ સંવેદના દાખવી તેમના માટે દર્શનની અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. તેમજ ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વહીલચેરની સુવિધા રાખવામાં આવી છે. શારીરિક રીતે અશક્ત માઇભક્તો માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની છે.

અશક્ત અને વૃદ્ધ દર્શનાર્થીઓ દર્શન કરી ધન્ય બન્યા, મંદિરની સુવિધા બદલ આભાર વ્યક્ત કર્યો

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવા અશક્ત દર્શનાર્થીઓને સ્વયંસેવકો મારફતે વ્હીલચેરની સુવિધા પૂરી પાડી માતાજીના દર્શન કરાવવામાં આવે છે. માતાજી પ્રત્યેની અનન્ય શ્રદ્ધા સાથે આવા શારીરિક રીતે અશકતો આ સુવિધા બદલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે. આવા જ એક દર્શનાર્થી ઇડર થી માતાજીના દર્શન માટે આવ્યા હતાં. ૭૦ વર્ષીય ચંપાબેને ભાવ વિભોર બની જતાં વ્હીલચેરની સુવિધા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)