અંબાજી મંદિરમાં 161 વર્ષથી ચાલુ છે નડિયાદી ભક્તોની અવિરત પરંપરા — શ્રાવણી અમાવસે ધરાયો છપ્પન ભોગનો અન્નકૂટ.

શક્તિ, ભક્તિ અને આસ્થાનું પ્રતીક એવા વિશ્વપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં એક અનોખી પરંપરા વર્ષો થી ચાલતી આવી છે. નડિયાદના ભક્તો છેલ્લા 161 વર્ષથી શ્રાવણી વદ તેરસ, ચૌદશ અને અમાવસના દિવસે અંબાજી મંદિરે ભક્તિ, પૂજા-અર્ચના, હવન, ગરબા અને અન્નકૂટનું આયોજન કરતા આવ્યા છે.

આ પરંપરાનો મુખ્ય દિવસ શ્રાવણી અમાવસનો છે, જ્યાં દર વર્ષે 56 ભોગનો અન્નકૂટ માં અંબાને અર્પણ કરવામાં આવે છે. અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં નડિયાદી ભક્તો જોડાય છે. આ અવસર પર મંદિરમાં ધ્વજારોહણ, હવન, રાસ-ગરબા તથા ખાસ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નડિયાદમાં બાપદાદાના ત્રણ ભાઈઓના વસ્તારમાંથી વારાફરતી દર વર્ષે કોઈ એક પરિવારને પૂજા-અર્ચનાનો લાભ મળે છે. વસ્તાર પછી ખડકી અને કુટુંબનો ક્રમ આવે છે. આ વર્ષે પણ અંબાલાલ રણછોડદાસની મંડળીના ભક્તો અંબાજી પધાર્યા હતા. આ મંડળીનું આ વર્ષે 161મું વર્ષ પૂર્ણ થયું છે.

આગામી 1 સપ્ટેમ્બરથી શરૂ થનારા ભાદરવી પૂનમના મહામેળા પહેલાં નડિયાદી સંઘના ભક્તો શ્રાવણી અમાવસે વિશેષ અન્નકૂટ, નવચંડી યજ્ઞ તથા અંબાના દર્શન-પૂજનથી લાભ લે છે. સમગ્ર અંબાજી મંદિર પરિસર આ અવસર પર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.


ધારાસભ્ય પંકજ દેસાઈની હાજરી

આ વર્ષે પણ પરંપરા મુજબ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પરિવાર સાથે અંબાજી પધાર્યા હતા. તેમણે નવચંડી યજ્ઞ તથા અન્નકૂટ આરતીમાં પણ ભાગ લીધો હતો અને નડિયાદી ભક્તોની આ પરંપરામાં પોતાની હાજરીથી ઉમેરો કર્યો હતો.


📍 રિપોર્ટર : ઉમેશ ઠાકોર, બનાસકાંઠા