અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પી. ડી. શાહ શાળા સંકુલનો દબદબો

જુનિયર બહેનોની કેટેગરીમાં ટોચના ૧૦ સ્થાનમાં ૯ વિદ્યાર્થીનીઓ પી. ડી. શાહ શાળા સંકુલની

માંગરોળ તાલુકાના દીવરાણા ગામના પી. ડી. શાહ શાળા સંકુલના વિદ્યાર્થીની- વિદ્યાર્થીઓએ ઇતિહાસ રચ્યો : ૧૨ વિદ્યાર્થીઓ ભાગ લીધો અને ૧૨ વિદ્યાર્થીઓએ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું

ગિરનાર સ્પર્ધામાં સફળતા મેળવવા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ શિક્ષકના માર્ગદર્શનમાં વહેલી સવારે ૪ વાગ્યાથી પ્રેક્ટિસ કરતા : નિયમિત ૫ કિ.મી.ની દોડ લગાવતા

૩૯મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં એક અનોખો ઇતિહાસ સર્જાયો છે, એક જ શાળા સંકુલના ૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ૧૨ -૧૨ વિદ્યાર્થીઓ ટોપ ૧૦ માં સ્થાન મેળવવામાં સફળ રહે છે, કદાચ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ઇતિહાસમાં આવી પ્રથમ ઘટના હશે.આ જ્વલંત સફળતાના કારણો જણાવતા પી. ડી. શાહ શાળા સંકુલના આચાર્ય શ્રી મિલિંદ કોટડીયા જણાવે છે કે, લગભગ દોઢેક મહિના પૂર્વેજ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે, સવારે ૪ વાગ્યાથી શિક્ષકોના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ શરૂ કરી દે છે.

જેમાં દૈનિક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પાંચ કિલોમીટર દોડ સહિત અન્ય જરૂરી એક્સરસાઇઝ કરાવવામાં આવે છે. આ સાથે વિદ્યાર્થી વિદ્યાર્થીઓના ખોરાક ઉપર પણ એટલું જ ધ્યાન આપવામાં આવે છે. ભાગ લેનાર સ્પર્ધકોને જરૂરી પોષણક્ષમ આહાર મળી રહે તે માટે પણ પૂરતી કાળજી લેવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ ગીરનાર સ્પર્ધાના વાતાવરણથી અનુકૂલન શોધી શકે તે માટે સ્પર્ધાના દસ દિવસ પૂર્વે જ અહીં રહીને ગિરનાર ના પગથિયા પર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. શ્રી મિલિંદ કોટડીયા કહે છે કે, આ માત્ર સફળતાનું પ્રથમ સોપાન છે, ફેબ્રુઆરી માસમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ દરેક અમારા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ટોચનું સ્થાન મેળવે તેવા લક્ષ્ય સાથે જરૂરી તૈયારીઓ કરવામાં આવશે.


રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ આવરણ સ્પર્ધામાં બહેનોની જુનિયર કેટેગરીમાં ટોચના ૧૦ સ્થાનમાં ૯માં સ્થાનને બાદ કરતા તમામ સ્થાન પી. ડી. શાહ શાળા સંકુલના વિદ્યાર્થીનીઓએ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે જુનિયર ભાઈઓની કેટેગરીમાં પણ પી.ડી. શાહ શાળા સંકુલના વિદ્યાર્થીઓએ બીજું, ચોથું અને સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી મિલિન્દભાઈ કોટડીયાએ આ સફળતાને સમુદ્ર કિનારે છીપલા વીણવા બરાબર ગણાવી હતી અને હજુ અપાર સફળતા મેળવવા માટે આખો સમંદર પાર કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.
પી. ડી. શાહ શાળા સંકુલની આ જવલંત સફળતા માટે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા અને જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

પી. ડી. શાહ શાળા સંકુલના વિદ્યાર્થીની- વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં ભાગ લઈ ચૂક્યા છે અને ખેલ મહાકુંભમાં પણ રાજ્ય સ્તરે ટોચના સ્થાન મેળવ્યા છે.તેમણે ખાસ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓના વાલીઓના સહકાર માટે પણ આભાર માન્યો હતો. ઉપરાંત શાળા પરિવારના શિક્ષકો અને ટ્રસ્ટી શ્રી ચેતનભાઇ પંડ્યાનો પણ તેમણે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.પી.ડી. શાહ શાળા સંકુલમાં ધોરણ ૯ થી ૧૨માં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી મિલિંદભાઈ કોટડીયા ગણિત વિષયના શિક્ષક છે અને તેઓ પણ બે વખત વિદ્યાર્થીકાળમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)