અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫-૨૬ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ચેસની જિલ્લાકક્ષાની સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી અને B.A.P.S. વિદ્યામંદિર, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. સ્પર્ધામાં અંડર-૧૪, અંડર-૧૭ અને અંડર-૧૯ કેટેગરીમાં છોકરા અને છોકરીઓ એમ કુલ છ વિભાગોનો સમાવેશ થતો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાના ૪૧ શાળાઓના ૨૯૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ચેસના રમતમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. દરેક વર્ગમાં ટોચના પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જે રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં જિલ્લામાંું પ્રતિનિધિત્વ કરશે. વિજેતાઓમાં અંડર-૧૪ છોકરાઓમાં ગોહિલ ઈશા પ્રથમ ક્રમે રહ્યો હતો તો છોકરીઓમાં વડીયાતર અપેક્ષા વિજેતા રહી હતી. અંડર-૧૭ છોકરાઓમાં તન્ના ક્રિશ અને છોકરીઓમાં માનસતા પ્રગતિએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો, જ્યારે અંડર-૧૯ છોકરાઓમાં સતાસિયા રુદ્ર મુકેશભાઈ અને છોકરીઓમાં ગોરાણીયા દિવ્યા પ્રથમ ક્રમમાં રહ્યા હતા. સમગ્ર સ્પર્ધા દરમ્યાન વિદ્યાર્થી ખેલાડીઓમાં ઊંચો ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનીષભાઈ જીલડીયા, વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ હમીરસિંહ વાળા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક ડૉ. ભાવેશ વેકરીયા, દેવનભાઈ રાઠોડ, સુરજભાઈ રાઠોડ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાનું સફળ સંચાલન B.A.P.S. વિદ્યામંદિરના શ્રીપ્રીતિમાં કુશારી અને દર્શનભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ જુદા જુદા શાળાના વ્યાયામ શિક્ષકોનું પણ આયોજનમાં નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ