તાજેતરમાં અજાબ ગામના ગૌચરની જમીનમાં મોરમ ચોરીના સમાચાર બાદ જૂનાગઢ ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા હકીકતલક્ષી અહેવાલ સાથે સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી છે.
કચેરીએ પ્રાપ્ત થયેલી ટેલીફોનીક ફરિયાદના આધારે કેશોદ તાલુકાના મોજે: અજાબ ગામે ગેરકાયદેસર ખનન અંગે તા. ૨૮/૦૮/૨૦૨૫ના રોજ ક્ષેત્રીય તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન અજાબ ગામના સર્વે નં. ૧૦૫ (G.P.S. કો-ઓર્ડિનેટ: N 21.263289, E 70.382289) ખાતે એક JCB મશીન અને બે ટ્રેક્ટરો દ્વારા મોરમ ખોદકામ અને વહન થતું હોવાનું જણાયું.
તપાસ દરમિયાન તલાટી કમ મંત્રી તથા સરપંચ ગામજનો સાથે સ્થળ પર હાજર થયા હતા. જ્યારે ટીમ દ્વારા મોરમ ખોદકામ માટે મંજૂરી અંગે આધાર માગવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે ખનન ગામના રોડ મરામત કામ માટે કરવામાં આવી રહ્યું છે. સાથે જ તેઓએ કોઈ પરમીટ અથવા સત્તાવાર મંજૂરી ન હોવાનો સ્વીકાર કરતાં ગામમાં લેવાયેલા ઠરાવનો પત્ર રજૂ કર્યો હતો.
પરંતુ કાયદાકીય રીતે માટી/મોરમ ખોદકામ માટે પરમીટ ફરજિયાત હોવાથી તપાસ ટીમે (૧) પ્લેટ નંબર વગરનું પીળા રંગનું JCB મશીન (ચેસીસ નંબર HAR3DXSSA01883115), (૨) લાલ રંગનું આઈસર કંપનીનું ટ્રેક્ટર (ચેસીસ નંબર 933715434711) અને (૩) ટ્રેક્ટર નંબર GJ-11-C1-2659 સીઝ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અજાબ ખાતે સરપંચ તથા તલાટી કમ મંત્રીની કસ્ટડીમાં સોંપી દીધા હતા. તપાસ દરમ્યાન સ્થળની ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.
કેસની તપાસ હાલ ચાલુ છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. વધુમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીએ છેલ્લા બે વર્ષ અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગેરકાયદેસર ખનન, વહન તથા સંગ્રહ અટકાવવા પગલાં લીધાં છે. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૫૪૮ કેસોમાં કાર્યવાહી કરી રૂ.૫ કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી છે. મહેસૂલી આવક રૂપે ૫૬ કરોડ રૂપિયાથી વધુનો વધારો નોંધાયો છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ