સુરત :
સુરત શહેરના અડાજણ વિસ્તારના હનીપાર્ક રોડ પર આવેલું વર્ષો જૂનું જર્જરિત જનકપુરી એપાર્ટમેન્ટ થોડા સમય પહેલાં સુરત મહાનગર પાલિકા દ્વારા ખાલી કરી દેવાયું હતું. આ ઈમારત જર્જરિત હોવાથી ગમે ત્યારે તે પડી જાય તેવો ડર હોવાથી ખાલી કરાવાયું હતું. આ ઈમારતમાં કોઈ રહેતું નહોતું, પરંતુ આસપાસમાં સોસાયટીના રહીશો રહેતા હતા.
ઈમારત ખાલી કરાવાયા બાદ તેને સુરક્ષિત રીતે ઉતારી લેવાયું નહોતું, તેથી તે ગમે ત્યારે પડે તેવો ડર હતો અને એ ડર ગઈકાલે રાત્રે સાચો પડ્યો હતો. ગઈકાલે રાત્રે એપાર્ટમેન્ટનો એક સ્લેબ ધડાકાભેર ધરાશાયી થયો હતો, જેના લીધે આસપાસની સોસાયટીના રહીશોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.
વધુમાં મળતી માહિતી અનુસાર રાત્રિના પોણા બે વાગ્યે આ દુર્ઘટના બની હતી. જર્જરિત એપાર્ટમેન્ટના પહેલા માળનો ભાગ ધડાકાભેર સાથે તૂટી પડ્યો હતો. બાજુમાં આવેલી પ્રતીક્ષા રો-હાઉસ સોસાયટીમાં આવેલ મકાનની દીવાલ પર કાટમાળ પડ્યો હતો, જેના લીધે આસપાસના રહીશોના જીવ ટાળવે ચોંટ્યા હતા. ઘટના બાદ પાલિકા તંત્ર દોડતું થયું હતું. આ જર્જરિત બિલ્ડીંગ નમી પડતા લોકોમાં ભય વધ્યો છે. જર્જરિત ઇમારતની નીચે અસહ્ય ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવથી પણ આસપાસના રહીશો પરશાન છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)