સુરતના અડાજણ વિસ્તારની ગુરુ કૃપા સોસાયટીમાં તસ્કરો ફરી એકવાર આતંક મચાવ્યો છે. મોઢા પર રૂમાલ બાંધીને આવેલા અજાણ્યા ચોરોએ મકાનદારોના દરવાજા બહારથી મૂકી રાખેલા મોંઘા બુટ-ચંપલ ચોરી કરી લીધા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે.
સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ તસ્કરો રાતના સમયે સોસાયટીમાં પ્રવેશ્યા હતા અને એક પછી એક ઘરો બહારથી બુટ-ચંપલ ઉપાડી ગયા હતા. કેટલાક રહેવાસીઓએ સવારે બહાર નીકળતાં જ જોઈ લીધું કે તેમના મોંઘા શૂઝ અને સ્લીપર ગાયબ છે. ત્યારબાદ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચકાસતા ચોરીની આખી ઘટના નજરે પડી હતી.
ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે ચોરોએ મોઢા પર રૂમાલ બાંધેલા હતા જેથી ઓળખ ન થઈ શકે. તેઓએ એક પછી એક ઘરોના દરવાજા બહારથી ચપલ અને જૂતાં ચોરાવ્યાં અને માત્ર કેટલાક મિનિટોમાં આખી સોસાયટીમાંથી ચોરી કરીને ચાલતા થયા.
આ પ્રકારની વારંવાર થતી ઘટનાઓને લઈને સોસાયટીના લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. રહેવાસીઓએ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને સુરક્ષા વધારવાની માગ ઉઠાવી છે. સાથે જ, રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે પણ સ્થાનિક તંત્રને આવેદન આપ્યું છે.
અડાજણ પોલીસે જણાવ્યું છે કે, સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવશે.