જૂનાગઢ જિલ્લામાં અનુસૂચિત જાતિના ૧૦ વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે છેલ્લા ૨ વર્ષમાં રૂ.૧.૫૦ કરોડની લોન સહાય ,ડો. બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન સહાય યોજના હેઠળ માત્ર ૪ ટકા ના વ્યાજ દરે ૧૫ લાખની લોન ,અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનું વિદેશ અભ્યાસનું સ્વપ્ન થતું સાકાર
જૂનાગઢ જિલ્લામાં અનુસૂચિત જાતિના ૧૦ વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે છેલ્લા ૨ વર્ષમાં રૂ.૧.૫૦ કરોડની લોન સહાય ચૂકવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન સહાય યોજના હેઠળ માત્ર ૪ ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવી રહી છે. આમ, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની કારકિર્દીને ઉડાન મળી રહી છે. આ યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ ૬ માસ પછીથી લોનની ભરપાઈ શરૂ કરવાની રહે છે. આ લોનની ભરપાઈ કરવા માટે ૧૦ વર્ષનો સમયગાળો પણ આપવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લામાં નાણાકીય વર્ષ ૨૦૨૩- ૨૪ અને ૨૦૨૪- ૨૫ના ડિસેમ્બર માસના અંતિત સુધીમાં ૧૦ વિદ્યાર્થીઓની રૂ. ૧.૫૦ કરોડની લોન સહાય મંજૂર કરવામાં આવી છે. આ માટે જિલ્લાની નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા હકારાત્મક અભિગમ સાથે આ વિદેશ અભ્યાસ લોન સહાય સહિતની અનુસૂચિત જાતિના કલ્યાણ માટેની યોજનાઓનો લાભ જરૂરિયાતમંદોને મળી રહે તે માટે સક્રિયતાથી જરૂરી અમલવારી કરવામાં આવે છે.અનુસૂચિત જાતીના લોકોની નબળી આર્થિક અને સામાજિક પરિસ્થિતિના કારણે અનુસૂચિત જાતીના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકતા ન હોવાથી રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે મદદરૂપ થવા આ લોન સહાય આપવામાં આવે છે, જેથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનું પણ વિદેશ અભ્યાસનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે મૂળ ગુજરાત રાજયના વતની હોવું અનિવાર્ય છે, સ્નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેઓને પોસ્ટ ગ્રેજયુએટ,પી.એચ.ડી,કે ઉચ્ચ કક્ષાના સંશોધન અને કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો અને ધોરણ-૧૨ પછી વિદેશમાં ચાલતા ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે લોન મળવાપાત્ર છે.
રાજયના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૧૨ કે તેથી ઉ૫રના જે અભ્યાસક્રમને આધારે વિદેશ અભ્યાસમાં પ્રવેશ મેળવતા હોય તેમાં ૫૦ ટકા કે વધુ માર્કસ ધરાવતા હોવા જોઇશે, તેમજ તેઓ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા, પી.એચ.ડી. તેમજ તમામ ક્ષેત્રના અન્ય એકથી વધુ વર્ષના સમયગાળા માટેના અભ્યાસક્રમો માટે ૫ણ લોન મેળવવાને પાત્ર રહેશે.
ધોરણ-૧૦ પાસ કર્યા ૫છી આઇ.ટી.આઇ.નો બે વર્ષનો અથવા તેથી વધુ સમયનો માન્યતા પ્રાપ્ત કોર્ષ કરેલ હોય અને તે માટેની એન.સી.વી.ટી અથવા જી.સી.વી.ટી.ની ૫રીક્ષા પાસ કરેલ હોયતો તે વિદ્યાર્થીઓએ પોતાની ૫સંદગી અનુસાર ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ધો. ૧૨ ની અથવા ગુજરાત ઓ૫ન સ્કુલ એકઝામીનેશનની અંગ્રેજી વિષયની ૫રીક્ષા પાસ કરે તો તે વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ ૫છીના અભ્યાસક્રમોમાં પ્રવેશના હેતુસર ધો.૧૨ ની સમકક્ષ ગણવામાં આવશે. જે વિદ્યાર્થીએ ધો.૧૦ ૫છી પોલીટેકનીકમાં ત્રણ વર્ષનો ડીપ્લોમાં કોર્ષ કરેલ હોય તે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ માટે ધો.૧૨ ની સમકક્ષ ગણવામાં આવશે.
વિદ્યાર્થીએ વિદેશ ગમનના છ માસની અંદર ૫ણ અરજી કરી શકે છે. લાભાર્થીએ એક જામીન રજૂ કરવાના રહેશે.આ યોજનાનો લાભ મેળવવા માટે વધુ જાણકારી માટે નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, બ્લોક નં. ૧/૩, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે સંપર્ક કરવાનો રહેશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)