રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં યુવતી દ્વારા અનુસૂચિત જાતિ સામે કરાયેલ અશોભનિય ટિપ્પણીના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, અંકિતા જાવિયા નામની યુવતી યૂટ્યુબ પર રીલ્સ બનાવતી હતી જેમાં તેણે અનુસૂચિત જાતિના લોકો વિશે અપમાનજનક અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો હતો. વીડિયોમાં યુટ્યુબર ગોળીઓ બતાવતી હોય અને “ઢેઢ ગરોળી” જેવા શબ્દોનો ઉલ્લેખ કરતી જોવા મળે છે, જેને લઈને સમગ્ર અનુસૂચિત સમાજમાં આક્રોશની લાગણી ફેલાઈ છે.
આ ઘટનાના વિડિઓઝ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા છે, જેને કારણે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના નાગરિકો ભાયાવદર પોલીસ સ્ટેશન પહોંચી ગયાં અને યુટ્યુબર વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. ઘટનાને ગંભીરતાથી લેતાં પોલીસ દળે તરત જ કાર્યવાહી શરૂ કરી અને આરોપી મહિલાની અટકાયત કરવામાં આવી છે.
સંબંધિત યુવતી દ્વારા યુટ્યુબ પર “અંકિતા જાવિયા બ્લોગ” નામથી ચેનલ ચલાવવામાં આવે છે અને તેના દ્રારા અપલોડ કરાયેલ વિડીયોનું સામાજિક ધોરણે ઘાતક પ્રભાવ પડતાં પોલીસ અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી છે.
અનુસૂચિત જાતિ સમાજના આગેવાન સંજય પરમારના જણાવ્યા અનુસાર, “આવી ટિપ્પણીઓ માત્ર વ્યક્તિગત નહિ પણ સમગ્ર સમાજના માનસિક શોષણ સમાન છે. આરોપી સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તો જ આવિઘટનાઓ અટકશે.”
ભાયાવદર પોલીસ મથક દ્વારા હાલ વધુ વિગતવાર પૂછપરછ અને ડિજિટલ પુરાવાઓના આધારે આગલી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. સમાજમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દળે બંદોબસ્ત કસોટી પર ઉતારી દીધો છે.
અહેવાલ: વિમલ સોંદરવા, રાજકોટ