અભિનંદનીય પગલું: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં શિક્ષકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ!

જૂનાગઢ – ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. અતુલ બાપોદરા દ્વારા શિક્ષકોના પ્રશ્નો અને માંગણીઓને હકારાત્મક અભિગમ સાથે ઉકેલવામાં આવ્યા છે. આ પગલાંને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ઉચ્ચ શિક્ષણ સંવર્ગ, જૂનાગઢ દ્વારા હર્ષભેર આવકારવામાં આવ્યો છે.

શૈક્ષિક મહાસંઘના સિનિયર ઉપાધ્યક્ષ બલરામ ચાવડા દ્વારા જણાવ્યા મુજબ, મહાસંઘ શિક્ષકના હિતમાં કાર્યરત છે અને વેકેશન દરમિયાન ઓછા મળેલા રજા દિવસોની રજૂઆતને અનુસંધાને યુનિવર્સિટી દ્વારા નવા સત્રમાં ત્રણ દિવસની રજાનો લાભ આપતો પરિપત્ર રજીસ્ટ્રાર દ્વારા જાહેર કરાયો હતો. આ નિર્ણયથી યુનિવર્સિટી અને સગંઠિત કોલેજના અધ્યાપક વર્ગમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

સાથે સાથે, છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓના મહેનતાણા બાબતે અધ્યાપકોમાં અસંતોષ હતો. આ મુદ્દે રજૂઆત બાદ કુલપતિ ડૉ. બાપોદરાએ વિશેષ સમિતિની રચના કરી હતી જેમાં પ્રિ. ડૉ. રાજેશ ભટ્ટ, પ્રિ. ડૉ. જેસિંગ વાંજા, પ્રિ. દિનેશ દઢાણિયા, પ્રિ. જમકુબેન સોજીત્રા અને પ્રિ. બલરામ ચાવડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમિતિએ રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના રેમ્યુનેશનનો અભ્યાસ કરીને એક વ્યવસ્થિત અહેવાલ પરીક્ષા નિયામકને સોંપ્યો.

આ અહેવાલના આધારે કુલપતિ, ઈ.સી. મેમ્બર અને બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો દ્વારા પરીક્ષાકાર્યોના મહેનતાણામાં યોગ્ય વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયને શિક્ષક સંગઠનો દ્વારા આશાવાદપૂર્વક આવકારવામાં આવ્યો છે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ