અમદાવાદના નિકોલમાં ભેખડ ધસી પડતાં મોટી દુર્ઘટના: બે શ્રમિકો દટાયા, એકનું દુખદ મોત.

કન્ટ્રક્શન સાઇટ પર થયેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડ અને પોલીસની તાત્કાલિક કાર્યવાહી, એક શ્રમિકની સારવાર ચાલુ,

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નિર્માણાધીન કન્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરો માટે આકસ્મિક આફત આવી, જ્યારે ભેખડી ધસી પડતાં બે શ્રમિકો માટીના ઢગલામાં દટાઈ ગયા. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં એક શ્રમિકનું દુખદ મોત નીપજ્યું છે, જ્યારે બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘટનાસ્થળે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન:

ફાયર બ્રિગેડના અધિકારીઓ મુજબ, નિકોલ-વિરાટનગર રોડ પર આવેલી બિલ્ડિંગ સાઇટ પર ખોદકામ દરમિયાન ભેખડ પડી જતાં આ દુર્ઘટના બની. કંટ્રોલ રૂમમાં સંદેશા મળતા જ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી અને બંને દટાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા. પરંતું, એક શ્રમિકનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજાની તબિયત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે.

પોલીસ તપાસ શરૂ:

આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સ્થળ પર કોઈ જવાબદાર કન્ટ્રાક્ટર કે મજૂરોનું સંચાલન કરનારી વ્યક્તિ હાજર નહોતી. પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે કે શું સુરક્ષા ઉપાયો લેવામાં આવ્યા હતા કે નહીં, અને આ દુર્ઘટના માટે કોણ જવાબદાર છે.

મજૂરો માટે સુરક્ષાના પ્રશ્નો:

આ દુર્ઘટના ફરી એકવાર કન્ટ્રક્શન સાઇટ્સ પર કામ કરતા શ્રમિકોની સલામતી અંગે પ્રશ્નો ઉઠાવે છે. નિર્માણકાર્ય દરમ્યાન જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનું પાલન કરાય છે કે નહીં, તે મહત્વનો મુદ્દો છે.

આ દુર્ઘટનાને લઈને સ્થાનિક પ્રજાજનોમાં પણ ચિંતા છે, અને તેઓ આ મામલાની સખત તપાસ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

અહેવાલ :- ગુજરાત બ્યુરો