અમેરિકા દ્વારા ભારતને આર્થિક તથા કૃષિ ક્ષેત્રે દબાવવા કરાયેલા પ્રયાસોને લઈને દેશભક્તિની ભાવના સાથે પ્રતિક્રિયા આપતા, ભારતીય જન પરિષદના માધ્યમથી દિલીપ સંઘાણીએ સમગ્ર ભારતીય જનતાને એકતા સાથે અમેરિકી ચીજવસ્તુઓના બહિષ્કાર માટે આગળ આવવાની અપીલ કરી છે.
સંઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે—
“આજે ભારતને આત્મનિર્ભર અને મજબૂત બનાવવા માટેનો સમય આવી ગયો છે. જો આપણે અમેરિકી વસ્તુઓનો બહિષ્કાર કરી દેશના ઉત્પાદનને પ્રોત્સાહન આપીએ, તો ભારતના ઉદ્યોગ, ખેતી અને અર્થતંત્રને સીધી મદદ થશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે અમેરિકાની સામે ભારત ક્યારેય નમતું નહીં, અને તે માટે માત્ર સરકાર જ નહીં પરંતુ દેશના નાગરિકોએ પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. “શાંતિપૂર્ણ રીતે અમેરિકી ઉત્પાદનોનો બહિષ્કાર કરી વિશ્વને બતાવીએ કે ભારત સ્વાભિમાની દેશ છે, જે પોતાના હિત માટે કોઈપણ પડકારને સ્વીકારી શકે છે,” એમ તેમણે ઉમેર્યું.
સંઘાણીએ ખાસ ભાર મૂક્યો કે આ માત્ર આર્થિક લડત નથી પરંતુ રાષ્ટ્રભક્તિની કસોટી છે. “દેશની દરેક ઘરમાંથી અમેરિકી ચીજોને બહાર કરવાનો સંકલ્પ જ આપણું સત્ય સ્વાતંત્ર્ય છે,” એમ તેમણે જનતાને સંદેશ આપ્યો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ