જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરે ગૌશાળા નિર્માણના લાભાર્થે શરૂ થયેલી શ્રીમદ્ ભાગવત કથામાં ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી ડો. મહાદેવપ્રસાદ મહેતાએ અષ્ટાંગ યોગ તેમજ સત્વગુણના આકર્ષણ પર ચર્ચા કરી હતી.તેમણે કહ્યું હતું કે, અધ્યાત્મ યોગથી પ્રકૃતિના-ઈન્દ્રિયના બંધનમાંથી પણ છૂટી શકાય. એ માટેના 10 કારણો છે. એ પૈકીનું એક એટલે નિર્મળ અંત:કરણ જે સત્સંગથી પ્રાપ્ત થાય. આવા 16 લક્ષણો હોય તેને સાધુ પુરુષ કહેવાય. સાધુ-સંતની એને કહેવાય જેની પાસે બેસવાથી પણ મનમાં શુદ્ધિ-પવિત્રતા આવે. આ રીતે પ્રકૃતિના બંધનમાંથી છૂટવા અષ્ટાંગ યોગ પાળવો પડે. જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાઘાત, ધારણા, ધ્યાન અને સમાધિની અવસ્થા હોય. એટલે તમે ઈન્દ્રિયોના બંધનમાંથી મુક્ત થઈ શકો. આદિ શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ ના દેહ નાની ઉંમરમાં છૂટી ગયા કારણકે, તેમનામાં ઈન્દ્રિયો પ્રત્યેની આસક્તિ છૂટી ગઈ હતી. આસક્તિ છૂટી જાય એટલે દેહ પણ આપોઆપ છૂટી જાય. આસક્તિ પણ સૌથી વધુ સત્વગુણની જ હોય છે.
માનવીને સત્વગુણનું આકર્ષણ સૌથી વધુ હોય છે. જ્યાં સત્વગુણ છે ત્યાં આકર્ષણ છે જ. આ વર્ષે ઉત્તરાખંડમાં ચારધામની યાત્રામાં સૌથી વધુ લોકો આવ્યા કારણકે, હિમાલયનું આકર્ષણ એવું છે. આપણે ત્યાં ગિરનારમાં લાખો લોકો આવે છે કારણકે ત્યાં સત્વગુણ છે અને એનું આકર્ષણ છે. આજની કથામાં શિવ અને સતી વચ્ચેનો સંવાદ તેમજ સતીના પ્રાણ ત્યાગ પછી શિવજીના તાડવનો પ્રસંગ વર્ણવ્યો હતો. તો ધ્રુવની તપશ્ચર્યા નો પ્રસંગ પણ આગવી શૈલીમાં રજૂ કરવામાં આવ્યો હતો.આ સાથે ડો. મહાદેવપ્રસાદે સ્થૂળ સ્વરૂપે ભગવાનના સાક્ષાત્કાર વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સૂક્ષ્મ રૂપે તમે જેમનું ધ્યાન કરો એ સ્થૂળ રૂપે મળે જ. નરસિંહ મહેતાએ ચોક્કસ પણે સૂક્ષ્મ સ્વરૂપે ભગવાનનું ધ્યાન કર્યું હશે એટલે જ તેમને સ્થૂળ રૂપે ભગવાનની પ્રાપ્તિ થઈ.આજના કથા શ્રવણ માટે મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ, મામા સાહેબ – માંગરોળ, મહેશ્વરી માતાજી – ઋષિરાજ આશ્રમ, મહાદેવગિરીબાપુ, અમૃતગીરીબાપુ – ચકાચક બાપુ,બીએપીએસના સંતો તેમજ મહાનુભાવોમાં ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી. વી. શ્રીવાસ્તવ, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)