સૌરાષ્ટ્રના ગામડાઓમાં આરોગ્યના પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને બાળકોને જીવલેણ રોગોથી બચાવા માટે આરોગ્ય વિભાગ સતત પ્રયાસશીલ છે. इसी અન્વયે વેરાવળના આંકોલવાડી ગામે તપોવન વિદ્યા સંકુલમાં આરોગ્ય વિભાગ દ્વારા ટીડી વેક્સિનેશન કેમ્પેઈન અંતર્ગત વિશાળ રસીકરણ કેમ્પ યોજાયો.
કાર્યક્રમ અંતર્ગત બાલવાટિકા, ધોરણ 5 અને ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને DPT (ડિફ્થેરિયા, પર્ટૂસિસ, ટેટનસ) તથા TD (ટિટેનસ-ડિફ્થેરિયા) રસી આપવામાં આવી. આ કામગીરી આયુષ્યમાન આરોગ્ય મંદિર આંકોલવાડીના નર્સ ટી.એ. વ્યાસ તથા સહયોગી આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી.
માત્ર રસીકરણ પૂરતું નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ટિટેનસ અને ડિફ્થેરિયા વિશેની સંપૂર્ણ જાણકારી પણ આપી — રોગ કેવી રીતે ફેલાય છે, તેના લક્ષણો શું છે અને અટકાવ માટે કઈ તકેદારી રાખવી જોઈએ, તે મુદ્દાઓને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા.
આ આરોગ્ય કેમ્પનું સફળ આયોજન તપોવન વિદ્યાસંકુલના શિક્ષકમિત્રોના સહયોગથી શક્ય બન્યું. કુલ 230 બાળકોને રસી આપી જીવલેણ રોગો સામે રક્ષણ આપવામાં આવ્યું.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ