ગીર સોમનાથ જિલ્લાના આંકોલવાડી ગામે માતૃ દિવસ નિમિતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયા ચેપ્ટર)ના સહયોગથી “સેલ્ફ કેર પ્રોજેક્ટ” હેઠળ આરોગ્યલક્ષી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં માતાઓ અને પાંચ વર્ષથી નાના બાળકો માટે વેક્સિનેશન, સ્વચ્છતા, અને ગર્ભાવસ્થા દરમિયાન લેવા જેવી કાળજી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મૂછાએ માતાના સમર્પણ અને તેમના આરોગ્ય વિશે જાગૃતિનું મહત્વ ઉજાગર કર્યું હતું. જ્યારે ફિમેલ હેલ્થ વર્કર તૃષાબેન વ્યાસ અને રાધિકાબેન વિરોલીયાએ માતૃત્વ દરમિયાન લેવાતી કાળજી વિશે ઊંડી સમજ આપી હતી.
પ્લાન ઇન્ટરનેશનલના બ્લોક ઓફિસર દેવ ચારિયાએ “સેલ્ફ કેર પ્રોજેક્ટ”ની રૂપરેખા રજૂ કરી અને માહિતી આપી કે આ અભિયાન અંતર્ગત ૩૫ ગામોમાં દરવાજે દરવાજે જઈ આરોગ્ય જાગૃતિ ફેલાવાઈ રહી છે.
કાર્યક્રમમાં શોર્ટ ફિલ્મ દ્વારા પણ લાભાર્થીઓને આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી. કમ્યુનિટી હેલ્થ વર્કર અક્ષા दरજાદા, હંસા જેઠવા અને આસ્તાના મુળીમાએ બાળકો અને માતાઓને હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ વિશે સમજ આપી.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અગ્રણીઓમાં આંકોલવાડી ગ્રામ પંચાયતની સરપંચ સેજલબેન વઘાસિયા, તાલાલા તાલુકા પંચાયત સભ્ય અલ્પાબેન વઘાસિયા, મેડિકલ ઓફિસર ડો. જગદીશ ભંડેરી, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર વિમળાબેન ખૂંટ, કમ્યુનિટી હેલ્થ ઓફિસર શિતલબેન કાકરેચા સહિત આરોગ્ય ટીમના સભ્યો અને નાગરિકો નોંધપાત્ર સંખ્યામાં હાજર રહ્યા હતા.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ