વેરાવળ: જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી વરસી રહેલા વરસાદને પગલે અનેક મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર ખાડાઓ તેમજ તિરાડો જેવી સમસ્યાઓ ઉભી થઈ છે. જેથી વાહનચાલકોને મુસાફરી દરમ્યાન તકલીફ ન અનુભવવી પડે, તે માટે જિલ્લા વહીવટતંત્ર દ્વારા માર્ગોની તાત્કાલિક મરામત હાથ ધરવામાં આવી છે.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ અનુસાર સમગ્ર રાજ્યમાં “યુદ્ધના ધોરણે” માર્ગ સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે, વેરાવળ તાલુકાના આંબલીયા થી ગોવિંદપરા તરફ જતા માર્ગ પર પણ પેચવર્કની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આ કામગીરીનો સમયસર આરંભ કરાયો છે. વરસાદના કારણે થયેલા નુકસાનનું સંપૂર્ણ સર્વે કરાયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક જ પંચાયત કક્ષાએથી રીપેરીંગનું કામ શરૂ કરાયું હતું.
અગ્રગણ્ય માર્ગોને વહેલી તકે ફરીથી ટ્રાફિકલાયક બનાવવાનો ધ્યેય રાખી સમગ્ર જિલ્લા સ્તરે માર્ગ મરામતની કામગીરી ચાલી રહી છે. આવનારા દિવસોમાં વધુ માર્ગો પર પણ આ પ્રકારની કામગીરી હાથ ધરાશે તેવી માહિતી અધિકારીઓએ આપી છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ