જુનાગઢ, તા.૩૧ – રાજ્ય સરકારના રોજગાર અને તાલીમ નિયામક – ગાંધીનગરના નિયંત્રણ હેઠળના સરકારી આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫ માટે બીજું પ્રવેશ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હજી સુધી પ્રવેશ ન મેળવનાર તથા તાજા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ તક છે.
આઈ.ટી.આઈ.માં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો હવે તા. ૪ ઓગસ્ટ ૨૦૨૫ સુધી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ઉમેદવારો પોતાના નજીકની કોઈપણ આઈ.ટી.આઈ.માં જઈને સહાય લઈ શકે છે અથવા https://itiadmission.gujarat.gov.in પોર્ટલ પરથી ઘરબેઠાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકે છે.
વિશેષ નોંધનીય છે કે, આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતેથી ઉમેદવારો માટે પ્રવેશ ફોર્મ ભરણાની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે. પ્રવેશ માટે રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી અનિવાર્ય હશે જે ઓનલાઈન ભરવી રહેશે.
પ્રવેશ માટેની અન્ય કામગીરી જેમ કે – રજીસ્ટ્રેશન, ચોઈસ ફીલિંગ અને ફોર્મમાં કોઈ ફેરફાર કરવા માટે હેલ્પસેન્ટરનું સહયોગ લેવામાં આવશે. આ તમામ પ્રક્રિયા માટે અંતિમ તારીખ ૪ ઓગસ્ટ રાખવામાં આવી છે, તેથી તાલીમ મેળવવા ઉત્સુક ઉમેદવારોએ સમય ચૂકવી ન જવા ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
વિદ્યાર્થીઓ માટે આ પ્રવેશ આગામી કારકિર્દીને ઘડવાની મહત્વપૂર્ણ તક છે. ઈન્ડસ્ટ્રીયલ તાલીમ મેળવવા માટે આઈ.ટી.આઈ. એક મજબૂત પગથિયું સાબિત થઈ શકે છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. જૂનાગઢ કે નજીકના કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા માહિતી ખાતાના અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ