આગામી 21 મી જુને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો- પાક.બોર્ડર, નડાબેટ ખાતે કરવામાં આવશે

બનાસકાંઠા
આગામી તા. 21 મી જુનને વિશ્વયોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાક.બોર્ડર નડાબેટ ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જરૂરી વ્યવસ્થા અને આયોજન અંગે જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠક બાદ કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે નડાબેટ ઝીરો પોઇન્ટ ઇન્ડો – પાક. બોર્ડર ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

કલેકટર વરુણકુમાર બરનવાલે સ્થળ નિરીક્ષણ કરતાં તમામ વિભાગના અધિકારીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. પાણી, પાર્કિંગ, ટોયલેટ, પરિવહન, આરોગ્ય, વીજળી સહિતની સુવિધાઓ ઉભી કરવા વિવિધ વિભાગોની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, સુઇગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી, બી.એસ.એફના અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- અયૂબ પરમાર (બનાસકાંઠા)