આજ છે ચા પ્રેમીઓનો દિવસ : ૨૧મી મે – આંતરરાષ્ટ્રીય ચા દિવસ!

રાજકોટ : ૨૧મી મે, ૨૦૨૫
દિવસની શરૂઆતથી અંત સુધી હજારો લોકો માટે એકજ ચીજ એટલી મહત્વપૂર્ણ હોય છે – ચા! આજે ૨૧મી મે, વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવાય છે. ચાની એક પ્યાલીએ માત્ર થાક દૂર નહીં કરે, પણ સંબંધો બાંધે, વાતચીતની શરૂઆત કરે અને અનેક માટે રોજગારનું પણ સાધન બને છે.

આંતરરાષ્ટ્રીય ચા દિવસનો ઈતિહાસ
આ દિવસની શરૂઆત પહેલા ૨૦૦૫થી ૧૫મી ડિસેમ્બરે ઉત્પાદનકર્તાઓ દ્વારા થતી હતી. પરંતુ ૨૦૧૯થી ભારતની ભલામણ બાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૧મી મેને ચા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. કારણ કે ચાનું ઉત્પાદન ખાસ કરીને મે મહિના દરમિયાન શરૂ થતું હોય છે.

ચા : વિવિધતામાં એકતા
વિશ્વભરમાં ચાની અનેક રીતે તૈયારી થાય છે –
કોઈ આદુ-ફુદીના વાળી ચા પસંદ કરે, તો કોઈ તજ અને એલચીવાળી. કોઈ ખાંડ વગરની કાળી ચા પિયે, તો કોઈ દૂધવાળી મીઠી ચા.
ચાની પ્યાલીએ માત્ર જીભ નહીં, પણ દિલ પણ જીતી લીધાં છે. ચા સાથે નાસ્તો, જમણ, કામનું બ્રેક કે મુસાફરીનો સાથી – દરેક સમયે ચાની હાજરી નિમિત્ત બની રહે છે.

ચા અને આરોગ્ય
તાજેતરમાં ગ્રીન ટી લોકપ્રિય બની છે. ૪૦,૦૦૦ જાપાનીઓ પર થયેલ એક અભ્યાસ અનુસાર, ગ્રીન ટી હૃદયરોગ સામે રક્ષણ આપે છે અને એન્ટી ઓક્સીડન્ટ તરીકે કામ કરે છે.

ભારત અને ચાનું ઉત્પાદન
ભારતના ૧૬ રાજ્યોમાં ચાનું ઉત્પાદન થાય છે. જેમાંથી અસમ, તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળ મળીને ૯૫% જેટલું ચાનું ઉત્પાદન કરે છે. શેરીના ખૂણે લારીઓથી લઈને મોટી ટીકેટ કંપનીઓ સુધી ચા એ અર્થતંત્રનો પણ એક અગત્યનો ભાગ છે.

રાજકોટના ખાસ ચા સ્થાનોનું મહત્ત્વ
આ દિવસે રાજકોટની ખૂણે ખૂણે જાણીતી ચાની લારીઓ યાદ આવે –
નકળંગની ચા, જાફરની ચા, ખેતલાબાપાની ચા કે રવેચી હોટલની ચા.
અહીં “ટી પોસ્ટ”નો પણ ખાસ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પ્યાલી હોય કે કુલ્હડ, ચાની એક એક ચૂસકી એ નવી ઉર્જા આપે છે.


“સવારની ચા મનને આનંદ આપે, બપોરની ચા ઉર્જા આપે, અને સાંજની ચા જીવતંત્રને શાંત કરે. ચા એ માત્ર પીણું નથી – એ તો સંસ્કૃતિ છે.”

આંતરરાષ્ટ્રીય ચા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
☕✨

✍🏻 વનિતા રાઠોડ
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષિકા
આચાર્યશ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં. ૯૩, રાજકોટ

અહેવાલ : નિલેશ ભટ્ટ, ભુજ