સુરતના ખાડાપુર વિસ્તારમાં વર્ષો થી સતત વરસતી વરસાદી દુઃખાવાની સમસ્યા હવે ફરી એકવાર રાજકીય ગરમાહટનું કેન્દ્ર બની છે. આમ આદમી પાર્ટી દ્વારા ખાડાપુરને લઈ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ તંત્ર તેમજ વિધાયકો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
પાયલ સાકરિયાએ પત્રકાર પરિષદમાં પ્રશ્ન ઉઠાવ્યો કે, દર શનિવારે યોજાતી વિધાયકોની સમન્વય બેઠકમાં અંતે થાય છે શું? શું કોઈ પણ વિધાયક દ્વારા એ પ્રશ્ન ક્યારેય ઉઠાવાયો કે, પ્રતિ વર્ષ ખાડાપુરમાં પૂર જેવી સ્થિતિ કેમ સર્જાય છે અને તેનો સ્થાયી ઉપાય શું છે?
તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા ત્રણ વર્ષમાં તંત્રએ ગ્રાઉન્ડ લેવલે શું કાર્ય કર્યું છે તેની માહિતી જાહેર કરવામાં આવે. સાત વર્ષથી લોકો ખાડાપુરના પૂરથી પરેશાન છે, ઘરોમાં પાણી ઘૂસે છે, દુકાનો ડૂબી જાય છે અને વેપારીઓને ભારે નુકસાન ભોગવવો પડે છે. જોકે જવાબદારી કોઈ લેતું નથી.
પાયલબેન સાકરિયાએ વધુમાં આક્ષેપ મૂક્યો કે, મહાનગરપાલિકા રાજ્ય સરકાર સાથે મળી ટીપી સ્કીમ બનાવે છે અને ખાડી વિસ્તાર જ હંમેશા ફાઈનલ પ્લોટ માટે પસંદ કરાય છે. આવા વિસ્તારમાં પ્લોટ ફાળવવા પાછળ બિલ્ડરોને ફાયદો પહોંચાડવાનો ઉદ્દેશ્ય છૂપાયેલો હોય છે.
તેમણે જણાવ્યું કે, મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટે ખાડી પર અતિક્રમણ કર્યું હોવા છતાં આજ સુધી કાર્યવાહી કેમ નથી થઈ?, તેમજ ઝીંગા તળાવ જેવો ગેરકાયદે બંધાયેલો માળખો પણ આજે સુધી તોડી પાડવામાં નથી આવ્યો. કેટલાક વિધાયકો જ પોતાની આસપાસ એવા તળાવો બનાવાવે છે.
પાયલબેનના કહેવા પ્રમાણે, ખાડી ડાયવર્ઝનની માગ છેલ્લા ત્રણ વર્ષથી ઊઠતી આવી છે, છતાં હજુ સુધી કોઈ જ ઔપચારિક પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે કેન્દ્રિય મંત્રીઓ આ મુદ્દો ઉઠાવે છે ત્યારે તંત્રના જવાબ હોય છે કે તેમની પાસે મશીનરી નથી.
તેમણે તંત્ર પર આક્ષેપ કર્યો કે વરસાદના પાણીની નિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવા છતાં દર વર્ષે પાઈપલાઈન જામ થતી હોય છે. વર્ષોથી યોગ્ય આયોજન ન થતા ખાડાપુરની સમસ્યા યથાવત છે.
આ ઉપરાંત તેમણે આરોપ મૂક્યો કે છેલ્લા ૩૦ વર્ષથી સત્તામાં રહેલા ભાજપના નેતાઓ અને તેમના નજીકના લોકો તરફથી કરોડો રૂપિયાની બંધરબાંટ થઈ છે.
અહેવાલ : પરવેજ સુરત