
જૂનાગઢ:
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના પ્રજાજનો માટે તત્કાલ અને સજાગ મેડિકલ સેવા સુલભ બનાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હવે રાજ્યના દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રથી માંડી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ સુધીની સામાન્ય એમ્બ્યુલન્સ પણ 108 સેવા દ્વારા સંચાલિત કરવામાં આવશે.
આ નિર્ણયથી લોકો સુધી વધુ ઝડપથી અને સરળતાથી એમ્બ્યુલન્સ સેવા પહોંચી શકશે. આ અગાઉ જે સામાન્ય એમ્બ્યુલન્સ વિવિધ તંત્રો દ્વારા વિખરાયેલા સંચાલનમાં હતી, તે હવે કેન્દ્રિય રીતે 108 દ્વારા વ્યવસ્થિત રીતે સંચાલિત થશે. આ સેવાનો મુખ્ય હેતુ દર્દીઓને સમયસર સારવાર મળી રહે એ છે.
હાલ રાજ્યમાં 108 સેવા હેઠળ કુલ 1499 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જે માર્ગ અકસ્માત, તાત્કાલિક પ્રસૂતિ કે અન્ય તાત્કાલિક મેડિકલ પરિસ્થિતિમાં લોકોની સહાય માટે સતત કાર્યરત છે. નવી વ્યવસ્થા હેઠળ એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા અને પહોંચ બંનેમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.
આ પગલાં સાથે જ આરોગ્ય વિભાગે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તાત્કાલિક સેવા સુધારવાના સંકેત આપ્યા છે, જેથી શહેરથી દૂર વસવાટ કરતા લોકોને પણ આરોગ્ય સેવાઓ ત્વરિત અને અસરકારક રીતે મળી શકે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ