જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાસતા ફરતા આરોપીઓની સતત શોધખોળ ચાલી રહી છે. એ જ અનુસંધાનમાં આશરે અઢી વર્ષથી નાસતા ફરતા આરોપી ઇમરાન જુસબભાઇ જાફરાબાદી રહેતા – મોટા સલાયા, જીલ્લો કચ્છની આખરે ધરપકડ કરવામાં આવી છે.
માંગરોળ પોલીસ સ્ટેશનના ગુન્હા રજી. નં. 11203038220041/2022 હેઠળ IPC કલમ 406, 420 મુજબ વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુન્હામાં ઇમરાન જુસબભાઇ વોન્ટેડ હતા. પેરોલ ફ્લો સ્ક્વોડ, જૂનાગઢને બાતમી મળતા પોલીસે ગાંધીધામ (કચ્છ) ખાતે રેડ કરીને મજકુર આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે ઇમરાનને માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી માટે સોંપ્યો હતો. આરોપીના ક્રિમિનલ રેકોર્ડની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, તેના વિરુદ્ધ અગાઉ અમદાવાદ શહેરના વેજલપુર, ઘાટલોડીયા તથા હાઇકોર્ટ સોલા પોલીસ સ્ટેશનોમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હાઓ દાખલ છે. ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ નોંધાયેલ છે.
ગઈકાલે તા. 16/08/25 ના રોજ આરોપીને અટકમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આજરોજ તા. 17/08/25 ના રોજ કોર્ટમાંથી રીમાન્ડ મેળવવામાં આવ્યો. તપાસ દરમિયાન ખુલ્યું કે વર્ષ 2021માં માંગરોળના શાપુર રોડ, જલારામ મંદીરની બહારથી આરોપીએ પોતાના સાળા પાસેથી ફોરવ્હીલ લીધું હતું. આ સ્થળે રીકન્સ્ટ્રક્શન પંચનામું પણ તૈયાર કરવામાં આવ્યું છે.
હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ