અધિકારીઓ-કર્મચારીઓએ ‘પ્લાસ્ટિક મુક્ત શહેર’ બનવાનો સંકલ્પ લીધો
ગિર સોમનાથ, તા. ૨૭ મે: વિશ્વ પર્યાવરણ દિવસને પૂર્વસૂચક રૂપે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૨૨ મે થી ૫ જૂન ૨૦૨૫ સુધી “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ પર વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથની કચેરી દ્વારા ઈણાજ, જિલ્લા સેવા સદનના સ્પોર્ટસ રૂમમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લઈ સ્પોર્ટ્સ સાથે સાથે પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લીધો.
ટૂર્નામેન્ટ દરમિયાન અધિકારીઓ-કર્મચારીઓએ પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા અને ગીર સોમનાથને ‘પ્લાસ્ટિક મુક્ત શહેર’ બનાવવા માટે પ્રતિજ્ઞા લીધી. ટૂર્નામેન્ટના અંતે વિજેતા ખેલાડીઓને નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ દ્વારા મેડલ અને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ દ્વારા પોલીસ, આરોગ્ય, જિલ્લા સેવા સદન સહિત તમામ વિભાગોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ લાવવાની કામગીરીને પ્રોત્સાહન મળ્યું છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ