સવારે ૯ વાગ્યા પહેલા અને સાંજે ૫ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, ખૂબ જ ઘાતક એવી ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ :કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયાની જુનાગઢવાસીઓને અપીલ

ઉતરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓને ઘાયલ થતા અટકાવવા આટલું કરીએ

ઘાયલ પક્ષીઓને બચાવવા કરુણા હેલ્પલાઇન નંબર ૧૯૬૨ અને વન વિભાગ તેમજ જીવ દયા ટ્રસ્ટ નો સંપર્ક કરવો

ઉતરાયણ ના પર્વ નિમિત્તે પતંગની દોરીથી પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે તેને સારવાર આપવા અને તેનો જીવ બચાવવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તારીખ ૧૦થી ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસીયા એ જુનાગઢ વાસીઓને મકરસંક્રાતિના પર્વ નિમિત્તે અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ પર્વમાં સૌ કોઈ ઉલાસભેર ઉજવણી કરતા હોય છે.પરંતુ આપણી સંસ્કૃતિ કહે છે આપણે ઉલ્લાસ ઉત્સવ મનાવીએ તેનાથી કોઈને નુકસાન ન થાય તે જોવાની જવાબદારી આપણી છે. રાજ્ય સરકારના કરુણા અભિયાનમાં સહભાગી થવા અપીલ કરતાં જણાવ્યું હતું કે ,આ અભિયાનનો ઉદ્દેશ ઉત્તરાયણ દરમિયાન જે પતંગની દોરીથી આવા પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય તેને તાત્કાલિક સારવાર આપવા અને તેનો જીવ બચાવવાનોછે. ત્યારે આ પર્વને લઈને લોકોને ખાસ વિનંતી કે ચાઈનીઝ દોરાનો ઉપયોગ ન કરીએ કારણ કે તે ખૂબ જ ઘાતક હોય છે.


સવારે ૯વાગ્યા પહેલા અને સાંજે ૫ પછી પતંગ ન ચગાવીએ કારણ કે સવારના અને સાંજના સમયમાં પક્ષીઓ પોતાના ખોરાક માટે અને માળા તરફ પરત ફરતા હોય છે અને આથી આવા સમયે જો પતંગ ચગાવવામાં આવે તો મોટી સંખ્યામાં પક્ષીઓને ઘાયલ થવાની સંભાવના રહેલી છે.કલેક્ટર શ્રી એ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે તમારી આસપાસમાં જો ઇજાગ્રસ્ત પશુ પક્ષી દેખાય તો હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરવો. તેમજ વન વિભાગના નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ પર કરુણા લખીને મેસેજ કરવાથી ઘાયલ પક્ષીઓને બચાવવાની જરૂર મદદ મળશે સાથે જ જીવ દયા ટ્રસ્ટ પણ પક્ષીઓને બચાવવાની અને સારવાર આપવાની કામગીરી કરતી હોય છે. જેનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.
આમ ઉતરાયણ નો પર્વ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવવાની સાથે જ ઘાયલ પશુ પક્ષીઓનો જીવ બચાવવા સાવચેતી રાખવા પણ જણાવ્યું હતું .

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)