તારીખ: 13 એપ્રિલ, 2025
સ્થળ: ઉધના, સુરત
ઉધનામાં ચા દુકાનદાર પાસે દાદાગીરીથી રૂપિયા ઉઘરાવવાનો પ્રયાસ કરનાર આરોપી મહેશકુમાર ઉર્ફે રાઘવ (રાહુલ)ની ઉધના પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી ધરપકડ કરવામાં આવી છે.
ફરિયાદી રિવંજન રામા ચૌધરી, જલગાંવ (મહારાષ્ટ્ર)ના વતની અને ઉધના ખાતે સોનલ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ખાનદોશ નામે હોટલ ચલાવે છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ પોતે ‘બિહારનો હોમેરા ગેંગનો’ હોદ્દો ધરાવતો જણાવી, દુકાન ચાલુ રાખવા માટે દર મહિને રૂપિયા 5000ની માગણી કરી હતી. રકમ ન આપતા આરોપીએ ગાળો આપી, ઝઘડો કરી, ધમકી આપી અને ₹4750 બળજબરીથી ઉઘરાવ્યા હતા.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત અને નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ ચોંકાવનારો છે. તેના સામે અગાઉ 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં હત્યા, લૂંટ, દારૂના ગુનાઓ અને જાહેર વ્યવસ્થા વિઘટાવવાના ગુનાઓનો સમાવેશ થાય છે.
આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) કલમો 308(5), 352, 115(2), 118(1), 351(3) મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હજી આગળની તપાસ ચલાવી રહી છે કે આરોપી દ્વારા અન્ય ક્યાં ગુનાઓ કરાયા છે.