વેરાવળ-સોમનાથ: રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં થયેલા વરસાદના કારણે રાજ્યભરમાં જે માર્ગો અને પુલોને નુકસાન પહોંચ્યું છે, તે સ્થળોએ તાત્કાલિક સમારકામ કરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રીએ ગુજરાતના તમામ જિલ્લામાં તંત્રોને તાકીદ કરી છે કે, ખાડાવાળા રસ્તાઓને તાત્કાલિક સુધારવામાં આવે તેમજ વાહન વ્યવહાર પર કોઈપણ અસર ન પડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે. આ સૂચનોના અનુસંધાને, ઉના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઊંટવાળાથી લુવારી મોલી સુધીના માર્ગના પેચવર્કની કામગીરી પ્રગતિશીલ બનાવવામાં આવી છે.
આ માર્ગ પર ભારે વરસાદ બાદ જમીન ધસારા અને ગડડા પડવાથી સ્થાનિક લોકોને અગવડતા થઈ રહી હતી. જેને ધ્યાનમાં રાખીને વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે અને જ્યાં-જ્યાં માર્ગ ખાડાવાળો હતો ત્યાં મજબૂત પેચ વર્ક કરાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજ્યના પ્રભારી સચિવ શ્રી જેનુદેવે પુલોની તથા માર્ગોની પરિસ્થિતિનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે માર્ગ અને મકાન વિભાગ તથા અન્ય સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનો આપ્યાં હતાં કે, જે પ્રોજેક્ટ કામ ચાલુ હોય તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને કામગીરીનું નિયમિત મોનિટરિંગ થાય.
માર్గ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા જિલ્લા સ્તરે પણ અનેક સ્થળોએ આવા સમારકામો ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી લોકોના દૈનિક જીવનમાં ટ્રાફિક સંબંધિત અડચણ ન સર્જાય.
આ કામગીરી લોકો માટે રાહતકારક સાબિત થઈ રહી છે અને રાજ્ય સરકારના સક્રિય વહીવટની સાબિતી આપે છે કે જાહેર હિત માટે ઝડપથી કામગીરી કરવાનો સંકલ્પ ધરાવે છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ