ગિર સોમનાથ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે અનેક ગામડાઓને જોડતા માર્ગો પર માઇનર ડેમેજ, ખાડા, શોલ્ડર તૂટી જવું અને જંગલ વિસ્તારના વૃક્ષોની ડાળીઓ રસ્તા પર પડવાથી વાહનવ્યવહારમાં મુશ્કેલી ઉભી થઇ હતી. આવા સંજોગોમાં કલેકટર શ્રી એન. વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં રૂપે યોગ્ય કામગીરી શરૂ કરવામાં આવી છે.
તહેવાર અને ગામડાઓમાં રોજિંદા આવાગમન માટે જરૂરી એવા મુખ્ય માર્ગો પર યુદ્ધના ધોરણે પેચવર્ક, મેટલ ભરવાનું કામ, રોડના બાજુમાં જમેલી ઝાડીઓની જંગલ કટિંગ તથા શોલ્ડર સ્ટ્રેન્ધનિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે. કામમાં વાપરવામાં આવતી મશીનરી અને માનવબળને પૂરતા પ્રમાણમાં તૈનાત કરી લોકોને અડચણ ન પડે તે માટે વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું છે.
આ કામગીરી ગીરગઢડા, ધાવડી, રમણિયા, ભીલવાડી, હિંગરોળી, ખડખડીયા અને દેલવડ જેવા ગામડાઓ તરફ જતા માર્ગો ઉપર વિશેષ તબક્કાવાર પદ્ધતિથી અમલમાં લેવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર તથા નાયબ ઇજનેરશ્રીની સતત દેખરેખ હેઠળ સમગ્ર કામગીરી ચાલી રહી છે.
વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલ જે માર્ગો પર કામગીરી ચાલુ છે, તેના બાદ પણ બાકી રહેતા અને રિપેરિંગની જરૂરત ધરાવતા તમામ રસ્તાઓના પણ સર્વે અને સમારકામ માટે ત્વરિત પગલાં લેવાશે જેથી ચોમાસામાં લોકોની અવરજવરમાં કોઈ અડચણ ન પડે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ