ઉના તાલુકાના કેસરિયા ગામે વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સરકારી સર્વે નંબર ૧૬૧ પૈકીની આશરે ૩૦૩ ચો.મી. જેટલી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે સરકારી મિલકત ઉપર પેશકદમી થઈ હતી. આ જમીનની બજાર કિંમત અંદાજે રૂ. ૭.૫ લાખ જેટલી ગણવામાં આવે છે.
કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા કચેરી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગામના ત્રણ અલગ અલગ દબાણદારો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે સેનેટરી બ્લોક તથા બાઉન્ડ્રી વોલ બનાવી કબ્જો કર્યો હતો.
વહીવટી તંત્ર દ્વારા દબાણદારોને બોલાવી યોગ્ય સમજૂતિ અપાઈ હતી. તંત્રની સમજણ અને કાયદાકીય કાર્યવાહીથી બચવા દબાણદારો સ્વેચ્છાએ આગળ આવ્યા હતા અને પોતાના ખર્ચે જ બનાવેલા સેનેટરી બ્લોક તથા બાઉન્ડ્રી વોલ દૂર કર્યા હતા.
આ પગલાંથી સરકારી જમીન ફરીથી ખાલી કરવામાં આવી છે અને જાહેર મિલકતને સુરક્ષિત કરવામાં આવી છે. કામગીરી દરમિયાન તાલુકા કચેરીના અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ કાર્યવાહીથી સ્થાનિક ગ્રામજનોમાં પણ સંદેશો ગયો છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે તંત્ર કડક વલણ અપનાવશે અને આવનારા દિવસોમાં આવી કોઈ પણ પેશકદમી સહન કરવામાં નહીં આવે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ