જૂનાગઢ (તા. 12 એપ્રિલ 2025)
હનુમાન જયંતિના પાવન પર્વે જૂનાગઢ જિલ્લાના ઉપલા દાતાર સ્થિત ધાર્મિક પવિત્ર સ્થાને ભક્તિભર્યા માહોલમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. દાતાર બાપુના શિષ્ય કમાલસા બાપુ તથા મહંત શ્રી ભીમ બાપુની ઉપસ્થિતિમાં જમન જતી મહારાજની મજાર પર પૂજન અને ચાદર ઓઢાવવાની ધાર્મિક વિધિ શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરવામાં આવી.
ભક્તોનો ધસારો અને મહાપ્રસાદ
આ અવસરે હજારોની સંખ્યામાં ભાવિકો ઉપલા દાતાર ખાતે ઉપસ્થિત રહી જમન જતી મહારાજના દર્શન કર્યા હતા અને તેમની કૃપાની અનુભૂતિ કરી હતી. દર્શનાર્થીઓ માટે વિશેષ ભોજન મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોએ ભોજન કરી આનંદ અનુભવ્યો.
ભગવાન હનુમાનજીને સમર્પિત ભક્તિભાવનો દિવસ
હનુમાન જયંતિના પવિત્ર દિવસે થયેલ આ આયોજને ઉપલા દાતાર ધામને દિવ્ય ભક્તિમય માહોલમાં ફેરવી દીધું હતું. સંતો અને મહંતોના આશીર્વાદ સાથે ભક્તોએ આ દિવસને આધ્યાત્મિક રીતે વિતાવ્યો.
અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ