ઉમરપાડામાં આભ ફાટ્યું 4 કલાકમાં 14 ઈંચ વરસાદ

સુરત :

રાજ્યમાં 20 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે તા. 15 જુલાઈની સવારથી ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉમરપાડામાં સવારે 4 કલાકમાં 14 ઈંચ વરસાદ પડતાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોહન નદી, વરેહ નદી બે કાંઠે વહેતી થઈ છે.

વરેહ નદીમાં ઘોડાપૂર આવતા બે કાંઠે વહી, લુહારવડથી કોલખડી જતો માર્ગ બંધ થયો.

લોકો સવારે ઉઠે તે પહેલાં જ ઘરોની બહાર, શેરી-મહોલ્લામાં સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા. તેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉમરપાડા ઉપરાંત ભરૂચના નેત્રંગમાં 5 ઈંચ અને નર્મદાના ગરૂડેશ્વરમાં સવારે 2 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે.ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ પડવાના લીધે સુરત જિલ્લાનું ઈકો ટુરિઝમ દેવઘાત ધોધ જતો રસ્તો બંધ કરી દેવાયો છે. લો લેવલ કોઝવે પણ બંધ કરાયો છે. તે ઉપરાંત પંચાયત હસ્તકના ચાર રોડ વલપાડાથી હલધરી, શરદાથી હલધરી, ઉમરઝરથી શામપુરા અને વહારથી બલાલકુવા રોડ ઓવરટોપિંગના કારણે બંધ કરાયા છે. આ તરફ વાલીયા તાલુકામાં ડહેલી ગામ જવાનો રસ્તો બંધ કરાયો છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)