એટ્રોસીટી કાયદાની ફરિયાદમાં ડીવાયએસપી સુરેન્દ્રનગરને હાઈકોર્ટનું તેડું.

વર્ષ 2020માં દાખલ થયેલી એટ્રોસીટી કાયદાની એફ.આઈ.આર. રદ કરવા માટે આરોપી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી (પીટિશન) કરવામાં આવી હતી. આ કેસમાં ભોગ બનનાર ફરિયાદીની તરફથી એડવોકેટ પ્રશાંત ચાવડા સતત પેરવી કરી રહ્યા છે.

હાઈકોર્ટમાં અરજીની સુનાવણી દરમ્યાન વર્ષ 2020 થી 2025 દરમિયાન કેસની તપાસના તબક્કામાં અનેકવાર તપાસ અધિકારી પાસેથી સચોટ માહિતી તથા રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ પાંચ વર્ષ વીતી ગયા છતાંયે તપાસ અધિકારી તરફથી અહેવાલ સમયસર રજૂ ન થતા હાઈકોર્ટ દ્વારા ગંભીર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

કોર્ટના 12 ઓગસ્ટ 2025ના હુકમમાં સંકલન ખંડપીઠે સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે –

“૨૦ જુલાઈ ૨૦૨૨ના રોજ આપેલા આદેશમાં કડક રીતે નોંધવામાં આવ્યું હતું, તેમ છતાં આજ સુધી તે આદેશનું પાલન કરવામાં આવ્યું નથી, જે અત્યંત દુઃખદ છે.”

આ પરિસ્થિતિને પગલે હાઈકોર્ટે પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર પાસેથી વિગતવાર અહેવાલ રજૂ કરાવવા તથા સંબંધિત નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી)ને વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કર્યો છે.

હાઈકોર્ટના આ આદેશ મુજબ સુરેન્દ્રનગરના ડીવાયએસપીને 26 ઓગસ્ટ 2025ના રોજ હાઈકોર્ટમાં હાજર થવું ફરજિયાત બનાવાયું છે.

અહેવાલ : એડવોકેટ પ્રશાંત ચાવડા દ્વારા