એનડીઆરએફ ની ટુકડી ભાવનગર આવી પહોચી.

ભાવનગર

સમગ્ર રાજ્યમાં જયારે ચોમાસા ઋતુનો માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમજ ભાવનગર જીલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભાવનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અગમચેતીના પગલા રૂપે ૬-એન.ડી.આર.એફની એક કંપનીને ભાવનગર બોલાવી તેને હાલ સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે. જેમાં જો કોઈ વિસ્તારમાં વરસાદના કારણે વિષમ પરિસ્થિતિ સર્જાય તો આ ટીમ ત્યાં પહોચી તમામ જરૂરી મદદ માટે જોડાશે.

ભાવનગર જીલ્લામાં હાલ મેઘમહેર જોવા મળી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં ખુબ સારો વરસાદ વરસી રહ્યો છે. હાલ રાજ્યના અનેક વિસ્તારો અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમા ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ આવી ગયું છે જેને પગલે ભાવનગર ખાતે હાલ એક ૩૦ સભ્યોની એક એન.ડી.આર.એફ ની કંપનીને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. જીલ્લાના કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદ કે પુરની સ્થિતિ સર્જાય તો કોઈ મોટી જાનહાની ના થાય તે માટે ભાવનગર વહીવટીતંત્ર પણ અગમચેતીના ભાગરૂપે તમામ પ્રકારની આપત્તિને પહોચી વળવા માટે તૈયાર છે, જેના ભાગ રૂપે આજે ભાવનગર જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એન.ડી.આર.એફની ટીમને ભાવનગરમાં તૈનાત કરી દેવામાં આવી છે. જો કે હાલ ભાવનગરમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ જે પ્રમાણે મેઘાવી માહોલ સૌરાષ્ટ્રમાં જામી રહ્યો છે તે જોતા ભાવનગર વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગ રૂપે આ ટીમને બોલાવી તેને સ્ટેન્ડ બાય રાખી છે. ભારે વરસાદની આગાહીને લઈને ભાવનગરમાં વરસાદ કે ઉપરવાસના વરસાદના કારણે ભાલ પંથક કે નદી કાંઠાના અને દરિયા કિનારાના વિસ્તારોમાં કોઈ પુરની પરિસ્થિતિ સર્જાય તો બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફની એક ટુકડી તમામ જરૂરી સાધનો સાથે તૈયાર રાખવામાં આવી છે. જેમાં તેઓ એમ.એફ.આર, સી.એસ.એસ.આર, એફ.ડબલ્યુ.આર જેવી બચાવ સામગ્રી સાથે તેઓ ભાવનગર આવી પહોચ્યા છે અને તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી જીલ્લાના વિસ્તારોની સ્થિતિ પણ નજર રાખી રહ્યા છે અને કલેક્ટરના આદેશ અનુસાર તેઓ કોઈપણ જગ્યાએ પહોચી બચાવ કાર્યમાં જોડાશે.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)