
વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગને લોકો સહાયક બની આપી રહ્યા છે સહકાર
જૂનાગઢ તા.૯ વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ “ગીર” છે. ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહ સૌરાષ્ટ્રના ૨૦,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્તપણે પરિભ્રમણ કરે છે. જેના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જગ્યા ઉપર પણ સિંહની વસ્તીમાં વધારો દર્શાવતી એક અદભુત વાત બની છે. આ અવિરત પ્રયાસનો લાભ લઈને સિંહો હવે જોખમની બહાર આવી ગયા છે, અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઈ ગયા હતા તેવા વિસ્તારોમાં પણ પોતાની વસાહતો પુનઃસ્થાપિત કરી છે. સિંહની અત્યાર સુધીની જીવન સફર ખરેખર ખૂબ જ કપરી રહી છે, પરંતુ જંગલના રાજા એશિયાઈ સિંહોએ કપરા સમયમાંથી ઉભરીને સિંહ પ્રજાતિ ખરેખર જંગલનો રાજા હોવાનું સાબિત કરી દીધું છે. અને તેથી જ ગીર જંગલ માત્ર પારસ્પરિક મહત્વતા નથી ધરાવતો પરંતુ તે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને નૈતિક મૂલ્યોની દ્રષ્ટિએ પણ ગુજરાતના લોકોના હૃદય સ્થાનમાં બિરાજે છે. જેનું જતન કરવું તે વન વિભાગના સ્ટાફની સાથે ગુજરાતની ગૌરવંતી પ્રજાની પણ ફરજ છે. જેથી વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોના વન વિભાગને સહકાર તથા સહાયક બનવા માટે જાણ કરવામાં આવે છે.
વન્યપ્રાણી અવરજવર વાળા વિસ્તારોમાં ખેડૂતોને પાક રક્ષણ માટે ઈલેક્ટ્રીક શોક ન મૂકવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે. ઈલેક્ટ્રીક શોકના કારણે વન્ય પ્રાણીઓની સાથે સાથે ઘણી વખત તેમના કીંમતી પશુઓ તેમજ લોકોનો પણ ભોગ બનવો સામે આવેલ છે, માટે ખેતર ફરતે ઈલેક્ટ્રીક શોક ન મૂકવો જોઈએ. ઉપરાંત વન્યપ્રાણી પરિભ્રમણ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે જોખમરૂપ ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા જોઈએ. આ ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા માટે ગુજરાત સરકારશ્રીની હાલમાં ચાલતી ખુલ્લા કુવા પારાપેટ હોલ બાંધી સુરક્ષિત કરવા અંગેની યોજના જેમાં ૯૦% સબસીડી સરકાર શ્રી તરફથી આપવામાં આવે છે. જેનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. રેવન્યુ વિસ્તારમાં પરપ્રાંતીય લોકો રહેતા હોય છે, જે મૂળ શિકારી પ્રવૃત્તિથી ટેવાયેલા હોય છે. આવા કોઈ શંકાસ્પદ કે શિકારી પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો નજીકના વન વિભાગની કચેરી અથવા તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૭૮૯ અથવા ૧૯૨૬ પર સંપર્ક કરવા નાયબ વન સંરક્ષકશ્રી ગીર પશ્ચિમ વિભાગ દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)