ઓજસ રાવલ અભિનિત, હરેશ પટેલ દિગ્દર્શિત, ફિલ્મ ઈશ્વર ક્યાં છે? 26 જુલાઈથી સિનેમાઘરોમા..

ગુજરાત

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા ભિસ્મપિતામહ સ્વ. શ્રી ગોવિંદભાઈ પટેલના પુત્ર હરેશભાઈ પટેલ દિગ્દર્શિત એક અનન્ય વિષયની ફિલ્મ.. ઈશ્વર ક્યાં છે? આગામી તારીખ 26 જુલાઈના રોજ રિલિઝ થઈ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તા. 17 જુલાઈના રોજ સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવના દર્શન બાદ ફિલ્મના કલાકારોની ટીમ રાજકોટ, સુરત, મુંબઈ, વડોદરા ખાતે તેમના ચાહકો સાથે ચર્ચા કરવા નિકળવાના છે. આ પ્રવાસ માટે એક વિશિષ્ટ કાર પણ તૈયાર કરવામાં આવી છે.

એક નિર્દોષ – માસૂમ બાળક પર જ્યારે અચાનક આપદાનો પહાડ તૂટી પડે છે ત્યારે, એને પ્રશ્ન થાય છે કે, ઈશ્વર ક્યાં છે? અને એ બાળક હઠ કરે છે કે, જો ઈશ્વર હોય તો આવીને એના પ્રશ્નના જવાબો આપે. બાળકની ચેલેન્જ સ્વિકારીને તેના પ્રશ્નોનો ઉત્તર આપવા ઈશ્વર જાતે જ પૃથ્વી પર આવે છે, અને ત્યારે કેવી કેવી ઘટનાઓ બને? ઈશ્વરની આ લીલાને પગલે વૈકુંઠમાં કેવી ચર્ચાઓ થાય? આવા જ અનેક પ્રશ્નોનો ઉત્તર આગામી તા. 26 જુલાઈના રોજ આપને સીનેમાઘરોમાં જાણવા મળશે.

ઈશ્વર ક્યાં છે? ની કથા હરેશ પટેલની છે, ફિલ્મના દિગ્દર્શક અને પ્રોડ્યુસર પણ તેઓ જ છે. ફિલ્મનો સ્ક્રિન પ્લે અને સંવાદ લખ્યાં છે કેશવ રાઠોડે. જ્યારે વિષ્ણુનું પાત્ર જાણીતા કલાકાર ઓજસ રાવલે ભજવ્યું છે, તો બાળહઠ કરે છે સ્વસ્તિક જોષી, આ ઉપરાંત ફિલ્મમાં જીતુભાઈ પંડ્યા નિશિથ બ્રહ્મભટ્ટ, કૃપાદેવ યાજ્ઞિક, મૌલિક પાઠક, પ્રિયાલ ભટ્ટ, લલિત શર્મા, મેહુલ વ્યાસ સહિતના ગુજરાતી ફિલ્મ અને નાટ્યજગતના કલાકારોએ અભિનય કર્યો છે.
ફિલ્મના દ્રશ્યો ઉત્કૃષ્ટ રીતે કેમેરામાં ઝિલ્યાં છે ડીઓપી વિરલ પટેલ (અન્નુ પટલ)એ તો સંગીત આપ્યું છે માસ્ટર રાણાએ આ ઉપરાંત, તેમણે ગીતો પણ લખ્યા છે. અને રૂચિત પટેલ અને સંજય દેસાઈ ફિલ્મના પ્રોડ્યુસર છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હરેશ પટેલે અગાઉ દીકરો કહું કે દેવ, ડ્રાઈવર દિલવાલો, પ્રીત જનમોં જનમની ભુલાશે નહિ, પાટણથી પાકિસ્તાન જેવી સંખ્યાબંધ ફિલ્મો બનાવી છે. મશીન, તાસ્કેન ફાઇલ જેવી હિન્દી મુવી પ્રોડ્યૂસ કરી છે. અને ગોલમાલ, રાઉડી રાઠોડ, શિવાય, સીંગ સાહેબ ઘી ગ્રેટ, રેસ, ગ્રાન્ડ મસ્તી જેવી અનેક હિન્દી ફિલ્મોનું ગુજરાતમા ડિસ્ટ્રિબીશન કર્યું છે.

અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)