ઓપરેશન શિલ્ડ અંતર્ગત કેશોદના એરપોર્ટ ખાતે જુદી જુદી સરકારી એજન્સીઓના સહયોગથી એક સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. હવાઈ હુમલાની પૂર્વ નિર્ધારિત કલ્પિત પરિસ્થિતિ દરમિયાન પોલીસ, ફાયર વિભાગ, આરોગ્ય તંત્ર, 108 એમ્બ્યુલન્સ, મહેસૂલ વિભાગ સહિત તમામ વિભાગોએ સહયોગ આપીને ત્વરિત રાહત અને બચાવ કામગીરીનું પ્રદર્શન કર્યું હતું.
આ સમગ્ર કવાયત પ્રાંત અધિકારી શ્રીમતી વંદના મીણા તથા પોલીસ અધિક્ષક બી.સી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
મોકડ્રીલ દરમિયાન એવો દ્રશ્ય રચાયો કે જાણે હવાઈ હુમલો થયો હોય. ત્યારબાદ તાત્કાલિક એલર્ટ જારી કરતા વિવિધ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી, જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અનુરૂપ વ્યવસ્થા હેઠળ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સામાન્ય ઈજાગ્રસ્તોની સારવાર માટે પાનદેવ સમાજ ખાતે વૈકલ્પિક સેટઅપ ઉભો કરવામાં આવ્યો હતો. મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓએ માસ્ક અને એપ્રોન સાથે સેવાપ્રવૃત્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મોકડ્રીલનો મુખ્ય હેતુ અચાનક સર્જાતા ભયજનક પરિસ્થિતિમાં તંત્ર કેટલું તૈયાર છે તેની ચકાસણી કરવી અને વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવો હતો.
આ કવાયત દરમિયાન સ્થળ પર પ્રાંત અધિકારી વંદના મીણા, પોલીસ અધિક્ષક બી.સી. ઠક્કર, મામલતદાર સંદીપ મહેતા, PI પી.એ. જાદવ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
અંતે, સમગ્ર કામગીરી સફળતાપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે પુરી થતાં તંત્રએ હાશકારો વ્યક્ત કર્યો હતો. આવા પ્રયત્નો આપત્તિ વ્યવસ્થાપનના માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે મહત્વપૂર્ણ બની રહે છે.
અહેવાલ: રાવલિયા મધુ, જુનાગઢ