ઓપરેશન શિલ્ડ અંતર્ગત જૂનાગઢ ખાતે સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ

જૂનાગઢ:

ઓપરેશન શિલ્ડ અંતર્ગત જૂનાગઢના ઝાંઝરડા બાયપાસ રોડ પર આવેલ ડીમાર્ટ મોલ ખાતે હવાઈ હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોક ડ્રીલ સફળતાપૂર્વક યોજાઇ હતી. આ ડ્રીલમાં પોલીસ, ફાયર, હેલ્થ, ૧૦૮, મહેસુલ વિભાગ સહિતની વિવિધ સરકારી એજન્સીઓએ સંકલિત રીતે ભાગ લીધો હતો.

ડ્રીલ દરમ્યાન પૂર્વ નિર્ધારિત હવાઈ હુમલાની પરિસ્થિતિ નિર્માણ કરી, ડીમાર્ટના મેનેજર દ્વારા તાત્કાલિક જાણકારી આપવામાં આવી. ફાયર ફાઇટર ટીમ, પોલીસ અને સ્થાનિક એમ્બ્યુલન્સ ત્વરિત ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને 108 સહિતની સેવાઓ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આ ઘટના માટે પોલીસ, આર્મી જવાનો, 8 એનસીસી ગુજરાત બટાલિયનના કેડેટ, હોમગાર્ડ્સ સહિતની એજન્સીઓએ તત્પરતા પૂર્વક જવાબદારી ભજવી હતી.

જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, આ પ્રકારની મોકડ્રીલ દ્વારા આપત્તિની સ્થિતિમાં રાહત-બચાવની વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થાય છે. આ સાથે, આ પ્રકારની ડ્રીલમાં અલગ-અલગ એજન્સીઓના રિસ્પોન્સ સમયની પણ નોંધ લેવાય છે અને તેની સમીક્ષા કરી વધુ સુધારા કરવામાં આવે છે.

મોકડ્રીલ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર પી.એ.જાડેજા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ