કચ્છના ૪ કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં નીટ પરીક્ષા યોજાઈ

અહેવાલ :નિલેશ ભટ્ટ ભુજ

કચ્છ જિલ્લામાં મેડિકલ અભ્યાસ માટે અગત્યની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક યોજાઈ. કચ્છના ભુજ અને ગાંધીધામમાં આવેલા ચાર કેન્દ્રો પર વિજ્ઞાન પ્રવાહના ૧૪૨૪ વિદ્યાર્થીઓ માટે આ મહત્વની પરીક્ષા લેવામાં આવી, જેમાં ૧૩૯૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા, જ્યારે ૨૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

પરીક્ષા કેન્દ્રોની વિગતો:

  • ભુજ: ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ અને ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ
  • ગાંધીધામ: સરકારી હાઈસ્કૂલ ગણેશનગર અને માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ

જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રચાયેલી ખાસ સમિતિના માર્ગદર્શન હેઠળ શિસ્તબદ્ધ આયોજન કરાયું હતું. પૂર્વ અને પશ્ચિમ કચ્છના એસ.પી.શ્રીઓ તથા પ્રાંત અધિકારીશ્રીઓએ સુરક્ષા વ્યવસ્થા પર દેખરેખ રાખી હતી. દરેક કેન્દ્ર પર કડક સુરક્ષા વચ્ચે સવારે ૧૧ વાગ્યે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. એનટીએના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા મેટલ ડિટેક્ટર તથા બાયોમેટ્રિક ચકાસણીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

પરીક્ષા દરમિયાન આરોગ્ય વિભાગ પણ ચાકચિબંદ હતો, અને દરેક કેન્દ્ર પર નોડલ અધિકારી તથા ડ્યુટી મેજિસ્ટ્રેટ્સ હાજર રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે પુરી થઇ.