કચ્છ: કચ્છ જિલ્લામાં સ્થાનિક ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ભચાઉની તમામ બેઠકો ભાજપે કબજે કરી છે. રાપરમાં પણ ભાજપે બહુમતી સાથે જીત મેળવી છે, જેમાં 21 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ ફક્ત 7 બેઠકો સુધી સીમિત રહી છે. લાકડીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર હરિભા ગઢવીએ 755 મતથી વિજય હાંસલ કર્યો. જીતની ખુશી સાથે રાપર ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને સ્થાનિક ભાજપના નેતાઓ-કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે.
કોંગ્રેસે હાર સ્વીકારી, મતદારોનો રુઝાન ભાજપ તરફ
રાપર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠિયાએ હારની જવાબદારી સ્વીકારી છે. તેમણે કહ્યું કે, ‘રાપરના મતદાતાઓએ સ્થાનિક સમસ્યાઓનો ઉકેલ મળતો હોવાથી ભાજપને મત આપ્યા છે.’ કોંગ્રેસે પાણી, સફાઈ, ગટર અને રખડતા ઢોર જેવી સ્થાનિક સમસ્યાઓ મુદ્દે ચૂંટણી લડી હતી, પરંતુ મતદાતાઓએ ભાજપના પક્ષમાં મત આપવાનું પસંદ કર્યું.
મતદાન અને પરિણામોની વિગત
કચ્છ જિલ્લામાં બે નગરપાલિકાની ચૂંટણી માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. રાપર નગરપાલિકામાં 62.52% અને ભચાઉ નગરપાલિકામાં 54.65% મતદાન નોંધાયું. આ પરિણામો ભાજપ માટે મજબૂત સ્થિતિનો સંકેત આપે છે અને વિજય પાછળ સ્થાનિક વિકાસ કાર્ય મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે.
અહેવાલ :- ગુજરાત બ્યુરો