મેડિકલ ટીમ દ્વારા અંદાજે ૬૨૫ જેટલા સ્પર્ધકોને જરૂરી સામાન્ય સારવાર અપાઈ સ્પર્ધકોને જરૂરી સારવાર માટે મેડિકલ ટીમ્સ સતત ખડે પગે રહી
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ હોય છે. પરંતુ આ ૩૯મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં સદનસીબે એક પણ સ્પર્ધકને મોટી ઈજા થઈ નથી.મંગલનાથ બાપુની જગ્યા કાર્યરત કરાયેલ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્પર્ધા પૂર્ણ કરીને આવેલા અંદાજે ૬૨૫ જેટલા સ્પર્ધકોને સામાન્ય સારવાર જરૂરી આપવામાં આવી હતી.મેડિકલ ટીમના ઓર્થોપેડિક ડૉ. અરજણ કરમુરે જણાવ્યું કે, ગિરનાર સ્પર્ધામાં સ્પર્ધકોને સ્નાયુના દુખાવા, ક્રેમ્પ્સ, સોજો આવી જવો, કે પડી જવાથી છોલાઈ જવું જેવી સામાન્ય ઈજાઓ થઈ હતી.
જેથી મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોની સારવારની જરૂરિયાત મુજબ દર્દમાં રાહત કરતી પેઈન કિલર, ડાઈક્લો જેલ અને સ્પ્રેથી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત દર્દમાં રાહત આપતા ક્રેપ બેન્ડેજ (ગરમ પાટા) બાંધી આપવામાં આવ્યા હતા અને જરૂરી ડ્રેસીંગ પણ કરવામાં આવ્યું હતું. આમ, સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ સતત ખડેપગે રહી હતી. ઓર્થોપેડિક ડોક્ટર ઉપરાંત ફિઝિશિયન ડો. શ્યામ ઝાલાવડીયા સહિતના મેડિકલ સ્ટાફે સ્પર્ધાકોને જરૂરી આરોગ્ય સારવાર આપી હતી.
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના સ્પર્ધકોને સ્પર્ધા દરમિયાન પણ જરૂરી મેડિકલ સહાય મળી રહે તે માટે અંબાજી, માળી પરબ અને ગૌમુખી ગંગા ખાતે પણ મેડિકલ ટીમ ઉપલબ્ધ રહી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)