ખેરગામ
‘‘બેટી બચાવો, બેટી પઢાવો’’ યોજના અંતર્ગત “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે “લંચ વિથ લાડલી” કાર્યક્રમનું આયોજન કપરાડાની અરૂણોદય સાર્વજનિક માધ્યમિક હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. જેમાં કપરાડા તાલુકાના વિવિધ ગામની માતા- દીકરી અને કિશોરીઓ માટે “લંચ વિથ લાડલી” કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજનાના હસુમતીબેન રાઉતે સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમને અનુરૂપ માહિતી આપી હતી. મહિલા બાળ અધિકારી શ્વેતા દેસાઈએ લાભાર્થીઓને માતા અને બાળકના પોષણ વિશે અને “સરગવા”માંથી વિવિધ પ્રકારની વાનગીઓ ખાવાથી થતાં ફાયદાઓ વિશે માહિતી આપી હતી. કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા દ્વારા લાભાર્થીઓને બાળલગ્ન અને લગ્ન નોંધણી જેવી બાબતો વિશે માહિતી આપી અને વધુમાં વધુ વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે જણાવ્યું હતું.
દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી કમલેશ ગિરાસે દ્વારા મહિલાઓ અને બાળ કાયદાઓ વિશે સમજણ આપી હતી. ડી.એચ.ઇ.ડબલ્યુ (ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન)ના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી વિડીયો દ્વારા “સરગવા” ના ફાયદાઓ સમજાવ્યા હતા. કાર્યક્રમમાં આવેલી માતા, દીકરી તેમજ કિશોરીઓ માટે વિવિધ પ્રકારની પોષણયુક્ત વાનગીઓનું ભોજન કરાવવામાં આવ્યું હતું. માતા અને દીકરીને “સરગવા”ના છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ જ્યારે કિશોરીઓને હાઇજિન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન સ્ટાફ વલસાડ, પી.બી.એસ.સી સ્ટાફ કપરાડા, આંગણવાડી સુપરવાઇઝર અને કાર્યકર બહેનો અને આઈ. સી. ડી. એસ.નો સ્ટાફ હાજર રહ્યો હતો.
અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)