કમોસમી વરસાદે ધરમપુરમાં મચાવ્યું ત્રાસ: કેરીના પાકને નુકસાન, પતરા ઉડ્યા અને ઝાડો પડ્યાં

ધરમપુર તા.:
ધરમપુર પંથકમાં મંગળવાર સાંજના ચાર વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં પરિવર્તન થતાં ગાજવીજ અને વાવાઝોડાં સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. ત્યાર બાદ મેઘમહેર મૂશળધાર વરસાદમાં બદલાઈ ગયાં હતાં. ભારે પવન અને વાવાઝોડાની અસરથી આ પંથકમાં વિશાળ નુકસાન નોંધાયું છે.

કમોસમી વરસાદના કારણે ખેતીના મુખ્ય પાક કેરી સહિત કઠોર શાકભાજી જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને કેરીના માથે વરસાદની આ મોસમ પહેલા જ આવી ગયેલી આફત ખેડૂતો માટે આઘાતરૂપ સાબિત થઈ છે.વાવાઝોડા દરમિયાન ધરમપુર શહેરના મસજીદ ફળીયા વિસ્તારમાં મેમણ પરિવારના બે પતરા ઉડી ગયા હતા. તેના ઉપરાંત તીસકરી, હેટી ફળીયા, બારોલીયા, કાકડકુવા, બિલપુડી, બરુમાલ, શેરીમાલ, લુહેરી, કાગંવી, કરંજવેરી, સિદુમ્બર અને આવધા જેવા અંતરિયાળ ગામોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અનેક ઘરોના પતરા ઉડી ગયાં હતા અને રસ્તા ઉપર ઝાડો ધરાશાયી થતા પરિવહનમાં અવરોધ ઊભો થયો હતો.

જોકે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તે રાહતની વાત છે. પરંતુ ભારે પવનને પગલે વીજળીના તાર તૂટી પડતાં વિજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં અંધારુ છવાઈ ગયું હતું અને લોકોની હાલત દયનિય બની ગઈ હતી.ધરમપુર શહેરના ત્રણ દરવાજા પાસે એસ.ટી. ડેપો રોડ શિદે પેટ્રોલ પંપ નજીક મસજીદ ફળીયા વિસ્તારમાં ઝાડની મોટી ડાળીઓ પડતાં વાહનવ્યવહારમાં ખલેલ પડી હતી. હાલમાં તાલુકા તંત્ર અને વીજ વિભાગ દ્વારા ઝાડો અને પતરા હટાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.