કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના જન્મદિન નિમિત્તે અનોખી સેવાકીય ઉજવણી


આજરોજ કરજણ 147 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલના જન્મદિન નિમિત્તે કરજણ શહેર તથા તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા અનેક અનોખી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણી અંતર્ગત મિયાગામ ખાતે આવેલ પાંજરાપોળમાં રહેલા મૂંગા પશુઓને ગરમીના તાપથી રાહ મળે અને તેઓ પણ ઉનાળાની ઋતુમાં કેરીના સ્વાદનો આનંદ માણી શકે તે હેતુથી કાર્યકરો દ્વારા કેરીના રસના થાળ પીરસવામાં આવ્યા હતા. આ માનવતા ભરેલી સેવા પ્રવૃત્તિએ લોકમનમાં સહાનુભૂતિ અને સમાજ માટેની જવાબદારીની ભાવના ઉજાગર કરી હતી.

સાથે સાથે કરજણની સરકારી હોસ્પિટલમાં ભોજન કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં કુપોષિત બાળકો તથા સારવાર લઈ રહેલા દર્દીઓને સુખડી આપવામાં આવી હતી. કાર્યકરો દ્વારા બાળકો સાથે કેક કાપી જન્મદિનની ઉજવણી પણ કરાઈ હતી, જેના કારણે બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી.

આ સેવાકીય કાર્યક્રમોમાં કરજણ શહેર તથા તાલુકાના ભાજપના હોદેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. સૌએ ધારાસભ્ય અક્ષય પટેલને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી અને તેમના દીર્ઘ આયુષ્ય અને જનસેવામાં વધુ યશસ્વી પ્રગતિ થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

અહેવાલ: મનોજ દરજી, કરજણ