કરજણ :: વીજ પુરવઠાની અવરોધથી નાગરિકો ત્રાહિમામ – ગરમીમાં બેશક્કી રાતો

કરજણ, તા. ૧૪ મે ૨૦૨૫
કરજણ નગરમાં છેલ્લા કેટલાંક દિવસોથી રાત્રિના સમયે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે, જેના કારણે નાગરિકો ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને હાલની અસહ્ય ઉકળાટભરી ગરમી વચ્ચે વીજ પુરવઠાની અછતએ લોકોના ધૈર્યનો કસોટી પર મૂક્યું છે.

શનિવાર રાત્રિના સમયે અંદાજિત એક કલાક સુધી વીજ પુરવઠો બંધ રહ્યો, જેના પગલે સમગ્ર નગર અંધકારમય બની ગયું હતું. લોકો મકાનની બહાર ઓટલા કે ધાબા પર સુવા મજબૂર બન્યા હતાં.

સ્થાનિક નાગરિકોએ MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિ.) સામે નારાજગી વ્યક્ત કરી છે અને વીજ પુરવઠાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે, રાતે વીજ પુરવઠા વિનાની પરિસ્થિતિ બાળકોથી લઇ વૃદ્ધો સુધીના તમામ માટે કષ્ટદાયી બની રહી છે.

અત્યાર સુધી કંપની તરફથી કોઇ સ્પષ્ટ નિવેદન મળ્યું નથી, પરંતુ નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે કે અગાઉથી જ રિપેરિંગ કે ટેક્નિકલ સમસ્યાઓ અંગે જાહેર નોટિસ આપવામાં આવે, જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.

અહેવાલ – મનોજ દરજી, કરજણ