કરજણ: GJ-06 વાહનો માટે ટોલફ્રીની માંગ ન સંતોષાતા પીન્ટુ પટેલ સહિત 20 લોકોએ સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ચકચાર!

વડોદરા: કરજણ તાલુકાના ભરથાણા પાસે આવેલા નેહા-48 ટોલનાકા પર સ્થાનિક નંબરની એટલે કે GJ-06 નંબરની ગાડીઓને ટોલમુક્ત કરવાની માંગ છેલ્લા કેટલાય સમયથી ઉઠાવવામાં આવી રહી છે. આ મામલે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો સંતોષકારક નિર્ણય ન લેવાતા હવે લોકોએ કડક વલણ અપનાવ્યું છે.

કોંગ્રેસના અગ્રણી પીન્ટુ પટેલ (વેમારડી વાળા) સહિત 20 જેટલા લોકોએ આજે કરજણ સેવાસદન ખાતે પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારી તારીખ 20 એપ્રિલે N.H.I. ઓફિસ ખાતે સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ પગલાંને પગલે સમગ્ર કરજણ શહેરમાં ચકચાર મચી ગઈ છે.

ગત 11 એપ્રિલે પણ પીન્ટુ પટેલ સહિત અનેક સંગઠનના આગેવાનો અને સ્થાનિકોએ પગપાળા યાત્રા કરીને કરજણ સેવાસદન પહોંચીને ટોલફ્રી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તંત્ર તરફથી આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં તેઓએ આકરું વલણ અપનાવ્યું છે.

આ સમગ્ર મામલે N.H.I. અને જિલ્લા તંત્રએ તાત્કાલિક આ મુદ્દે સંવેદનશીલતાથી વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે, જેથી સ્થાનિકોમાં પેદા થયેલી અસંતોષની લાગણીને શમાવી શકાય.

પીન્ટુ પટેલ – કોંગ્રેસ અગ્રણી (વેમારડી વાળા)
“અમે શાંતિપૂર્ણ રીતે ટોલમુક્તિની માગ કરી હતી, પણ સરકારે અવગણના કરી છે. હવે અમારે પાસે આત્મવિલોપન સિવાય બીજો રસ્તો નથી રહ્યો.”

અહેવાલ: મનોજ દરજી, કરજણ.