કલા પ્રેરણા અને સંસ્કાર ભારતી ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ચિત્ર પ્રદર્શનનો સમાપન સમારોહ.

કલા પ્રેરણા અને સંસ્કાર ભારતી ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ચિત્ર પ્રદર્શનનો સમાપન સમારોહ.

 

જૂનાગઢઃ

જુનાગઢમાં રેડ ક્રોસ સોસાયટી હોલ ખાતે કલા પ્રેરણા સંસ્થા અને સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે ૬૪ જેટલા પેન્ટિંગ કલાકારો દ્વારા ૧૪૪ જેટલા વિવિધ પ્રકારના પેન્ટિંગ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ચાર દિવસ સુધી જુનાગઢ શહેરના નગરજનોએ પેઇન્ટિંગ કલાકારોની કૃતિઓ ઉત્સાહભેર નીહાળી ભરપૂર પ્રશંસા કરી હતી.કલા પ્રદર્શનીમા કલાપ્રેરણા સંસ્થાના ૧૨૦ જેટલા કલાકારો પૈકી ૬૪ કલાકારોએ ૧૪૪ પેન્ટિંગ પ્રદર્શિત કર્યા હતા. આજે કલા પ્રદર્શન સમાપન સમારોહ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રો.(ડો)ચેતનભાઇ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

સમારોહના અધ્યક્ષ સ્થાનેથી દીપ પ્રાગટ્ય કરીને ડો.ચેતનભાઇ ત્રિવેદીએ કલા પ્રદર્શની નિહાળ્યા બાદ ઉપસ્થિત કલાકારોને સંબોધતા જણાવ્યું હતું કે કલાએ પ્રભુ કૃપાથી મળેલી બક્ષિસ છે. આવા કાર્યક્રમો થકી જુનાગઢના કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરી અને લોકો સમક્ષ રજુ કરવાનું પ્લેટફોર્મ મળ્યું છે. કલાના કદરદાનો જ્યારે પેઈન્ટિંગની પ્રશંસા કરે છે, ત્યારે કલાકાર માટે પ્રોત્સાહક બની રહે છે.

કલાકારો પોતાના પેઇન્ટિંગ્સથી વધુ સજ્જતા કેળવે છે, પેન્ટિંગ્સની નિખારતા ઊભી થાય છે, તેના કલરમાં સજ્જતા કેળવાય છે. થીમેટીક એપ્રોચ જેમ કે મોડર્ન આર્ટ, થ્રેડ વર્ક, વોટર કલર વર્ક, વારલી પેઇન્ટિંગ દ્વારા પોતાની કલા સાધના ઉજાગર થતી હોય છે, આવનારા દિવસોમાં યુનિવર્સિટી દ્વારા કોઈ મોટો કાર્યક્રમ થશે ત્યારે આવા પેઇન્ટિંગ્સ રજૂ થાય તે માટે કલાકારોએ આગળ આવી પોતાની કલાકારી કરી રજૂ કરવી જોઇએ, જે શહેરમાં કલા, સંસ્કૃતિ, સંગીત, સાહિત્ય, નૃત્યની આરાધના થતી હોય

એ શહેરમાં સાંસ્કૃતિક વાતાવરણ ઉત્તમ પ્રકારનું હોય છે. એ શહેરનું શિક્ષણ કલ્ચર કલાસાધનાની ઉપાસના થતી હોય છે.

જેનાથી ઉત્તમ નાગરિકનું નિર્માણ થતું હોય છે. આવનારા દિવસો ભારત જ્યારે વિશ્વ ગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે કલાકારોના માધ્યમથી વ્યક્તિ નિર્માણ થકી સાંસ્કૃતિક વારસો ઉત્તમ પ્રકારનું બની રહે તે દિશામાં આપણી અસ્મિતા ઉભી થશે. આ પ્રસંગે કુલપતિશ્રી પ્રો (ડો) ચેતન ત્રિવેદીના હસ્તે કળા ક્ષેત્રે ઉત્તમ કલાકસબીઓને પુરસ્કારથી પુરસ્કૃત કરી તેમને મોમેન્ટો અર્પણ કરી અને સન્માનિત કરી કલા સાધકોની કલાને બીરદાવી જણાવ્યુ હતુ કે આજે ડિઝીટલ યુગમાં ચિત્રકલા નામશેષ થઈ રહી છે ત્યારે નવી પેઢીને ભારતીય સંસ્કૃતિનો ચિત્રો દ્વારા પરિચય કરાવવાનો કલા પ્રેરણા સંસ્થાન અને સંસ્કાર ભારતીનો પ્રયાસ આવકાર દાયક છે.

ચિત્રકલાએક એવી સાધના છે, જેના થકી વ્યક્તિ ધ્યાનસ્થ થઈ શકે છે.

ચિત્ર પ્રદર્શની તૈયાર કરનારા કલાકારોએ આજે ચિત્રકલાની વર્તમાન સમયમાં અનિવાર્યતા સમજાવી ભારતીય સંસ્કૃતિનો પરીચય ચિત્રકલા દ્વારા નવી પેઢીને કરાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત બહાઉદ્દિન સાયન્સ કોલેજનાં પ્રિન્સીપાલ ડો. આર.પી.ભટ્ટ અને અગ્રણીશ્રી ભાવેશભાઇ વેકરીયાએ ઉપસ્થિત કલા સાધકોને સંબોધતા જણાવ્યુ હતુ કે કલા પ્રદર્શનીમાં રજુ કરાયેલ પ્રત્યેક ચિત્ર વિવિધ પ્રસંગોની અનુભૂતિ કરાવતી ચિત્રકૃતિઓ ધ્યાનાકર્ષક બની રહી છે. ચિત્ર કોઈપણ વ્યક્તિના સારા કે રચનાત્મક વિચારોને રજૂ કરે છે, જેથી ચિત્ર એ માત્ર કલા જ નથી પરંતુ વ્યક્તિના વિચારોનું રચનાત્મક પ્રતિબિંબ છે જેથી ચિત્રકલાનું આ માધ્યમ રચનાત્મક રીતે વ્યક્તિના ઉત્થાન માટે મહત્વ નું સાબિત થાય છે. ચિત્રોમાં પોતાનાં સ્વપ્નોને મૂર્તિમંત કરનાર હિતેન્દ્ર નાગાણીએ જણાવ્યું હતું કે, અમે કોઈ ફાઈન આર્ટસ કોલેજ માં ભણીને ચિત્રો દોરનારા કલાકારો નથી. ચિત્ર અમારો શોખ છે. જૂદા જુદા અભ્યાસક્રમો ભણીને ચિત્રો પ્રત્યે અભિરુચિ કેળવીને ચિત્રકલાને એક સાધના તરીકે જીવનમાં સ્થાન આપીને ભારતીય સંસ્કૃતિને ચિત્રકૃતિઓ દ્વારા ઉજાગર કરવાનો પ્રયાસ કરીએ છીએ.

વોટર કલર, ઓઈલ પેઈન્ટ, પેન્સીલ કે પેન, ચિત્રો બનાવવાથી માંડીને કેન્વાસ ઉપર ચિત્રો તૈયાર ચિત્રો દોરવાથી ચિત્ર તૈયાર થતાં મનને શાંતિ મળે છે.

ચિત્રો દોરવાની કલાથી એકાગ્રતા કેળવાય છે. ખોટા વિચારો આવતા નથી. સર્જનાત્મક શક્તિઓ વિકસે છે. તેથી આ ચિત્રો તૈયાર કરવામાં ભાઈઓ કરતાં બહેનોનો ફાળો સવિશેષ રહ્યો છે. આ કાર્યક્રમના આયોજક રજનિકાંત અગ્રાવત અને સંસ્કાર ભારતીનાં વડોદરાથી ખાસ પધારેલ સંયોજક શ્રી સુરેન્દ્ર વી. ધુમલે જણાવ્યુ કે આજે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો યુગ આવી ચુક્યો છે ત્યારે ચિત્રકલાનું પેઈન્ટીંગ કરવાનું લોકોનાં માનસપટ પરથી અસ્તિત્વ ભુસાતુ જાય છે. ત્યારે નવી પેઢીને ચિત્રકલા તરફ આકર્ષિત કરવાનું કામ આ પ્રકારની ચિત્રકારોની કલા સાધનાથી આળખાયેલ ચિત્ર પ્રદર્શની દ્વારા થઈ શકશે.

કાર્યક્રમને સફળ બનાવવા અજયભાઇ રાવલ, મધુસુદન ભુવા સહિત કલા પ્રેરણા સંસ્થાનાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રીપલબેન વેરીયા એ સંભાળ્યુ હતુ. કાર્યક્રમને નવલખીનાં ચિત્રકાર ઓસમાણભાઇ એ આભાર દર્શન કર્યુ હતુ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)