વેરાવળ જિલ્લાના ઈણાજ ખાતે જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના હેતુ તરીકે નાગરિકોની વ્યક્તિગત તેમજ જાહેર હિતની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવે તે છે. આ તકે અનેક નાગરિકોએ પોતાની અરજી અને રજૂઆતો કલેક્ટર સમક્ષ રજુ કરી હતી.
આ પ્રસંગે અર્જદારો તરફથી કુલ વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા જેમ કે:
જમીનની માપણી સીટ જારી કરવા અંગે
જરગલી ખાતે ગૌચર જમીન ખુલ્લી કરવાની માંગ
તળાવકાંઠે થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા
પૂર્ણ થયેલા વિકાસકામના બિલની ચુકવણી
શાળાની આજુબાજુ દબાણ દૂર કરવાની રજૂઆત
જાહેર રસ્તા પર પેશકદમી અને લેવલિંગના પ્રશ્નો
દામલી-છારા માર્ગની અધૂરી કામગીરી
વરસાદી નિકાલ માટે નાલા વ્યવસ્થા
કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે દરેક અરજદારોની રજૂઆત ગંભીરતાથી સાંભળી, સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રશ્નોના તાત્કાલિક અને અસરકારક ઉકેલ માટે સૂચનાઓ આપી. તેમણે સ્પષ્ટ કહ્યું કે નાગરિકોની સમસ્યાનું ઝડપી સમાધાન તંત્રની મુખ્ય જવાબદારી છે અને દરેક મામલામાં મૂળ સમસ્યા સુધી પહોંચીને તેનું યોગ્ય નિવારણ લાવવું એ સરકારની પ્રાથમિકતા છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, વેરાવળના પ્રાંત અધિકારી વિનોદ જોશી, ઉનાના પ્રાંત અધિકારી કે.આર. પરમાર તેમજ પીઆજીવીસીએલ, એસ.ટી. વિભાગ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને સુચના આપી કે નાગરિકોના પ્રશ્નો માત્ર સાંભળવા પૂરતા નહીં પણ તેના ઝડપી ઉકેલ માટે જવાબદારીપૂર્વક પગલાં લેવાની જરૂર છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ